રાયડામાં મુદત વધારાઈ પરંતુ લાખણીમાં ખરીદી શરૂ ન થઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-08 12:22:41
  • Views : 413
  • Modified Date : 2019-06-08 12:22:41

લાખણી તાલુકામાં ટેકાના ભાવે રાયડા ખરીદીમાં પહેલાં ધીમી ગતિથી રાયડા ખરીદી બાદ છેલ્લાં દિવસે માલ ખરીદવાની જગ્યાએ રજા રખાઇ હતી, જેથી ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ સરકાર દ્વારા રાયડો ખરીદવાની મુદત ૧૩ જૂન સુધી લંબાવવામાં આવી હતી. જેથી રાયડા ખરીદીના અન્ય કર્મચારીઓ લાખણી ખાતે આવી ગયા હતા. પરંતુ માલ ગોડાઉન મેનેજર ન આવતા ખેડૂતોએ વધુ એક દિવસ અન્ય કામ પડતા મૂકી લાખણી માર્કેટયાર્ડમાં બેસી રહેવાનો વારો આવ્યો હતો.
લાખણી ખાતે ટેકાના ભાવે રાયડા ખરીદી કેન્દ્રમાં શરૂઆતમાં ધીમી ખરીદી તેમજ વ્હાલા દવાલાની ફરિયાદો ઉઠી હતી. ત્યારબાદ ૫ જૂને રાયડો ખરીદવાની જગ્યાએ અધિકારીઓ દ્વારા રજા રખાઇ હતી. તેમજ રાત્રિ દરમિયાન રાયડો ખરીદવાની કીટ ગાડીમાં લઇ ફરતા માલ ગોડાઉન મેનેજરને ખેડૂતો જોઇ જતા કેન્દ્ર બહાર રાયડાની ખરીદી કરતા હોવાના આક્ષેપો સાથે હંગામો મચાવ્યો હતો અને ફોન કરીને બોલાવેલ ખેડૂતોનો માલ ખરીદવાનો આગ્રહ કર્યો હતો. ત્યારબાદ રાયડા ખરીદી ૧૩ જૂન સુધી લંબાવવામાં આવી હતી. જે સમાચાર મળતા ખેડૂતોમાં પાછો પોતાનો માલ ખરીદાશેની આશા જન્મી હતી અને વહેલી સવારથી માર્કેટયાર્ડમાં આવી પહોંચ્યા હતા. જ્યાં રાયડા ખરીદી કરનારા અન્ય કર્મચારીઓ પણ સવારથી જ આવી ગયા હતા. પરંતુ માલ ગોડાઉન મેનેજર ન આવતા રાયડાની ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સાત દિવસ ખરીદી લંબાવી પરંતુ તેમાંથી પણ એક દિવસ રજા રહેતાં અધિકારીઓ દ્વારા ખેડૂતોની અવગણના કરાતી હોવાની ચર્ચા ઉઠી હતી. તેમજ તંત્ર ખેડૂતો પ્રત્યે ઓરમાયું વર્તન કરતુ હોવાના આક્ષેપો કર્યા હતા.


Download Our B K News Today App



Related News