લાખણીમાં ટેકાના ભાવે રાયડા ખરીદીમાં ગોલમાલ ખેડૂતોમાં ભભૂકતો રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:46:37
  • Views : 454
  • Modified Date : 2019-05-05 11:46:37

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ બનવા માટે વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે રાયડાની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે પણ આ ટેકાના ભાવે ખરીદીમાં જવાબદાર કર્મચારીઓની
ગેરરીતિના  પાપે ખેડૂતોના આક્રોશનો ભોગ સરકારે બનવું પડી રહ્યું છે. જેના કારણે સરકારની છબી ખરડાઇ રહી છે. તાલુકા મથક લાખણી ખાતે પુરવઠા વિભાગ દ્વારા થઇ રહેલ રાયડાની ટેકાના ભાવે ખરીદીમાં શરૂઆતથી જ કર્મચારીઓ દ્વારા ટોકન તેમજ માલ ખરીદીમાં ગોલમાલના આક્ષેપો થઈ રહ્યા છે. ટેકાના ભાવે રાયડા ખરીદીમાં શરૂઆતથી જ વ્હાલા-દવાલાની નીતિ અને રૂપિયાની લેતીદેતીના લીધે ટોકન નંબર આપવામાં પક્ષપાત તેમજ માલ ખરીદીમાં પણ મોટો ગોટાળો થતો હોવાની ચર્ચાઓ તાલુકામાં થઈ રહી છે. જેના કારણે નિયમસર પોતાનો નંબર આવે તેના માટે ખેડૂતો આવા ધોમધખતા તાપમાં પણ પોતાનો નંબર આઘા પાછા ન થાય તેની ખબર રાખવા બેસી રહે છે.  વળી ટેકાના ભાવે ખરીદીમાં બીજી પણ સમસ્યા થઈ રહી છે. અત્યારે લગ્નગાળાની સિઝન ચાલે છે માટે દરેકને પૈસાની તાતી જરૂરિયાત હોય છે. પૈસા માટે લોકો પોતાના માલનું વેચાણ કરે છે પરંતુ આ ટેકાના ભાવની ખરીદીમાં લાખણી તાલુકામાં એક માત્ર સેન્ટર હોવાથી ટેકાના ભાવે રાયડો ભરાવવા માટે ખેડૂતોની લાંબી લાંબી લાઈનો લાગે છે અને કેટલાંય દિવસો સુધી પોતાનો નંબર આવતો નથી. તેમજ નંબર આવ્યા પછી પણ બબ્બે મહિના સુધી પૈસા પણ ખાતામાં આવતા નથી. જેના કારણે ખેડૂત લાચાર બની ગયો છે. કેટલાંક ખેડૂતો મજબૂર બનીને સસ્તા ભાવે રાયડો ભરાવી  રહ્યા છે. સરકાર આ બાબતે ગંભીર બનીને ઝડપથી નિર્ણય  લે તેવી તાલુકાના ખેડૂતોની માંગ છે.

Download Our B K News Today App



Related News