ટ્રમ્પે ગાંધીઆશ્રમમાં રેંટિયો કાંત્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-25 12:07:11
  • Views : 403
  • Modified Date : 2020-02-25 12:07:11

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવનારા ૭ મા યુએસ પ્રમુખ બન્યા પણ ગાંધીઆશ્રમની મુલાકાત લેનારા સૌપ્રથમ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવેલા ૭ મા યુએસ પ્રેસિડેન્ટ છે.અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની સાથે એરફોર્સ વનમાં અમદાવાદ આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી ટ્રમ્પનો અભૂતપૂર્વ મેગા ઈન્ડિયા રોડ શો યોજાયો હતો. જેમાં નરેન્દ્ર મોદી જોડાયા હતા અને ટ્રમ્પના રોડ શો પહેલા તેઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમમાં ટ્રમ્પનું ભારે આદરપૂર્વક સ્વાગત કર્યું હતું. અહીં નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ દંપતીને બાપુના હૃદય સમા હૃદયકુંજથી અવગત કર્યા હતા. ત્યારબાદ ત્યાં રાખેલા રેંટિયાને કાંતવા માટે અમેરિકી રાષ્ટ્રપ્રમુખે જિજ્ઞાસા અને ઇચ્છા વ્યકત કરી હતી. અલબત્‌, તેમને બેસવામાં થોડી તકલીફ પડી હતી. પરંતુ તેમણે બાપુના પ્રિય રેંટિયાને કાંતવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. ટ્રમ્પને રેંટિયો કાંતવામાં સમજ ન પડતા ત્યાં હાજર આશ્રમવાસી લતાબહેન અને પ્રતિમાબહેને તેની જાણકારી આપી રેંટિયો કાંતતા શીખવ્યું હતું. ત્યારબાદ ટ્રમ્પે રેંટિયો કાંત્યો હતો. ગાંધીઆશ્રમમમાં એક તબક્કે ખુદ વડાપ્રધાન મોદીએ ગાઇડ બનીને ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયાને રાષ્ટ્રપિતા ગાંધીજી અને તેમના ગાંધી આશ્રમની ઐતિહાસિકતા અને વારસા વિશેની બહુ મહત્વની જાણકારી અને માહિતી પૂરા પાડયા હતા. વિદેશી કાપડ સામે બાપુએ ચલાવેલા સ્વદેશી અપનાવોની ક્રાંતિથી અમેરિકી પ્રમુખને નરેન્દ્ર મોદીએ વાકેફ કર્યા હતા. ટ્રમ્પ અને મેલેનિયા એરપોર્ટથી રોડ શો કરી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. એરપોર્ટ પર નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ ટ્રમ્પ પરિવારનું ભારે ઉત્સાહ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગાંધી આશ્રમમાં પણ નરેન્દ્ર મોદીએ ખાદીનો ખેસ પહેરાવી ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. મોદી પોતે ગાઈડ બની ટ્રમ્પ દંપતિને હ્રદયકુંજ લઈ ગયા હતા. હ્રદયકુંજમાં ટ્રમ્પ-મેલેનિયાને ચરખો કાંતતા શીખવ્યો હતો. ટ્રમ્પ-મેલેનિયાએ આશ્રમમાં ગાંધીજીની તસવીરને સુતરની આંટી પહેરાવી વંદન કરી હતી. આ સાથે જ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત કરનાર ટ્રમ્પ પ્રથમ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ બન્યા હતા. જા કે, વિશેષતા એ હતી કે, તેઓ એવા પ્રથમ યુએસ પ્રમુખ છે કે જેઓ પોતાના કાર્યકાળ દરમ્યાન અમદાવાદ આવ્યા છે અને ગાંધીઆશ્રમની પણ મુલાકાત લીધી છે. આ અગાઉ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડ્‌વાઈટ આઈસનહોવર (૧૯૫૯), રિચાર્ડ નિક્સન (૧૯૬૯), જીમી કાર્ટર (૧૯૭૮), બિલ ક્લિન્ટન (૨૦૦૦), જ્યોર્જ ડબલ્યુ બુશ (૨૦૦૬) તથા બરાક ઓબામા (૨૦૧૦ અને ૨૦૧૫) ભારત આવી ચૂક્યા છે. પરંતુ આમાંથી કોઈ કદી અમદાવાદ આવ્યું નહોતું. જ્યારે ટ્રમ્પ તો અમેરિકાથી રવાના થયા બાદ સીધા લેન્ડ જ અમદાવાદ એરપોર્ટ પર થયા છે અને ગાંધી આશ્રમ પણ ગયા હતા, એ સૌથી ઐતિહાસિક, નોંધનીય અને ગૌરવવંતી વાત અમદાવાદ, ગુજરાત અને ભારત માટે બની રહી હતી.

Download Our B K News Today App



Related News