ગાંધીનગરમાં કોરોનાની તોફાની સેન્ચુરી ૧૧૯ ઃ રાજ્યનો ચોથો જિલ્લો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-10 11:53:53
  • Views : 636
  • Modified Date : 2020-05-10 11:53:53

ગાંધીનગર કોરોના વાયરસની આક્રમક બેટિંગથી રાજયમાં સેન્ચુરી ફટકારનાર ચોથો જિલ્લો બની ગયો છે. ગાંધીનગર જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસમાં જ કોરોના
પોઝીટીવના ૨૮ કેસ નોંધાતા શનિવાર સવાર સુધીમાં જ ૧૧૧ ની સંખ્યા થઈ ગઈ છે. કલોલમાં ત્રણ દિવસમાં જ ૧૦ કેસ આવતા જિલ્લા તંત્ર દ્વારા દૂધ - દવા સિવાય તમામ વેપાર ધંધા સાંજથી બંધ રાખવા આદેશ કર્યા છે. કલોલ ખાતે હિંમતલાલ પાર્કમાં એક જ સોસાયટીમાંથી ૬ વ્યક્તિના કોરોના કેસ
પોઝીટીવ આવ્યા છે. આ સોસાયટીમાં અગાઉ પણ સંક્રમિત કેસ નોંધાયા છે.
 ગાંધીનગર જિલ્લામાં શુક્રવારે ૯ અને ગુરુવારે
૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતા. જ્યારે શનિવારે સવારે ૧૧ વાગ્યા સુધીમાં નવા ૧૪ પોઝીટીવ કેસો આવતા લોકોમાં ભયની લાગણી સાથે તંત્ર હરકતમાં આવી ગયું છે. જે કલોલમાં એક ૫૨ વર્ષીય મહિલા કે જેના પતિ અને પુત્ર સંક્રમિત થયેલા છે તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આ ઉપરાંત ૫૦ વર્ષીય
પુરૂષ, ૨૭ વર્ષીય મહિલા, ૬૦ વર્ષીય પુરૂષ, એક અન્ય ૫૨ વર્ષીય મહિલા અને ૨૯ વર્ષીય યુવકના કોરોના પોઝીટીવ
રીપોર્ટ આવ્યા છે.
જ્યારે વાવોલમાં ગઈકાલે સંક્રમિત થયેલા યુવક બાદ તેના પરિવારમાં રહેતા બે લોકો સંક્રમિત થયા છે. આ ઉપરાંત રોયલ બંગ્લોઝમાં રહેતા ૬૦ વર્ષીય પુરૂષ અને માણસા તાલુકાના બદપુરામાં રહેતી ૨૪ વર્ષીય યુવતી પોઝીટીવ આવી છે. ઝુંડાલ ગામમાં એક સાથે બહાર આવેલા ત્રણ કેસમાં ૧૦ વર્ષની કિશોરી, તેના ૬૪ વર્ષીય પિતા અને ૩૫ વર્ષીય પુત્ર સંક્રમિત થયા છે. જ્યારે રાંધેજા શિવશક્તિ નગરમાં રહેતો ૨૫ વર્ષીય યુવક સંક્રમિત થયો છે, જે આલમપુર એપીએમસીમાં કામ કરે છે. ગાંધીનગર તાલુકાના છાલા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી ૨૪ વર્ષીય નર્સ કોરોના પોઝીટીવનો ભોગ બની છે. આમ, ગાંધીનગર જિલ્લામાં નવા ૧૪ કેસ આવ્યા  છે. જ્યારે અત્યાર સુધી સુધી ૬ લોકોના મોત થયા છે. તો સાજા થયેલા ૨૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો ગાંધીનગર જિલ્લાના ૧૨ જેટલા પોઝીટીવ કેસો અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં ગણવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News