રાજકોટ : ગોંડલના બાંદરા નજીક લીમડા કાપતી વખતે લોખંડનો ઘોડો 11 કે.વી. વીજલાઇનને અડ્યો, જુવાનજોધ બે સગા ભાઈનાં શોર્ટસર્કિટથી કમકમાટીભર્યાં મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-06 15:48:41
  • Views : 319
  • Modified Date : 2021-07-06 15:48:41

ગોંડલના કંટોલિયા-બાંદરા ગામ વચ્ચે ખેતરમાં ધર્મેશભાઇ જેસાણીએ મલેશિયન લીમડાનાં વૃક્ષો વાવ્યાં છે. આ વૃક્ષો કાપવા માટે શ્રમિકો લોખંડનો ઘોડો લઈને ખેતરમાં જઈ રહ્યા હતા, પરંતુ ખેતર ઉપરથી પસાર થતી 11 કે.વી. ઇલેક્ટ્રિકલાઈન સાથે લોખંડનો ઘોડો અડી જતાં શોર્ટ લાગતાં જુવાનજોધ બે સગા ભાઈનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે ખેતર માલિક ધર્મેશભાઇ સહિત આજુબાજુનાં ખેતરોમાંથી પણ લોકો દોડી આવ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ, કંટોલિયા-બાંદરા રોડ પર વોરાકોટડાના સર્વે નંબરમાં ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ જસાણી (રહે. રાજકોટવાળા)ની વાડી આવેલી છે. અહીં મલેશિયન લીમડા વાવવામાં આવ્યા હોઈ, જેને કાપવાનું કામ છેલ્લા આઠ દિવસથી પડધરી તાલુકાના સરપદડ ગામના પીયૂષભાઈ વસંતભાઈ મકવાણા (ઉં.વ. 28) અને તેના નાનાભાઈ મયૂરભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આજે મંગળવારે સવારે દસ વાગ્યાની આસપાસ બન્ને ભાઈઓ લીમડા કાપવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે લોખંડનો ઘોડો વાડી ઉપરથી પસાર થતી ઇલેવન કેવીની લાઈનને અડી જતાં વીજ કરંટ લાગતાં બંને ભાઈઓનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.

બનાવની જાણ તાલુકા પોલીસને થતાં PSI એમ.જે. પરમાર, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ખાચર સહિતનાઓ સ્થળ પર દોડી ગયા હતા અને મૃતકોનાં પરિવારજનોને જાણ કરી પીએમ માટે મૃતદેહને સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવની જાણ PGVCLના અધિકારીઓને થતાં તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે બન્ને ભાઈઓ અપરિણીત હતા અને લીમડા કાપવાનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા.

રાજકોટના કાલાવડ રોડ પર મોટામવામાં અર્જુન પાર્ટી પ્લોટ સામે આવેલા કદમ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં એક વર્ષ પહેલાં જીવલેણ દુર્ઘટના બની હતી, જેમાં દૂધ લેવા માટે લિફ્ટનો દરવાજો ખોલી અંદર જતા અને પાંચમા માળે પહોંચતાં મનીષાબેન કિરણભાઇ આશરા (ઉં.વ.53)ને વીજ કરંટ લાગ્યો હતો. આથી તેમણે બૂમાબૂમ કરતાં પાંચમા માળે રહેતા વેપારી જિજ્ઞેશભાઇ જસવંતભાઇ ઢોલ (ઉં.વ.47) દોડી ગયા હતા. મનીષાબેનને બચાવવા જતાં તેમને પણ લિફ્ટના દરવાજામાંથી વીજ કરંટ લાગતાં બંને બેભાન થઇ ગયા હતા, આથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, પરંતુ અહીં બંનેનાં મોત નીપજ્યાં હતાં.

કદમ હાઇટ્સમાં છઠ્ઠા માળે રહેતાં મનીષાબેન દૂધ લેવા જવા માટે નીકળ્યાં હતાં. છઠ્ઠા માળે પોતાના ફ્લેટ નં.604માંથી નીચે જવા લિફ્ટ પાસે આવ્યા હતા. તેમણે લિફ્ટનો દરવાજો ખોલ્યો હતો અને અંદર બેઠાં હતાં. લિફ્ટ પાંચમા માળે પહોંચી ત્યારે કરંટ લાગતાં તેમની ચીસ સાંભળી પાંચમા માળે રહેતાં જિજ્ઞેશભાઇ દોડી આવ્યા હતા. તેમણે મનીષાબેનને બચાવવાનો પ્રયાસ કરતાં તેમને પણ લિફ્ટની જાળીમાંથી કરંટ લાગ્યો હતો. ચીસ સંભળાતાં મનીષાબેનના પુત્ર દેવાંશુભાઇ તથા બીજાં સ્વજનો અને રહેવાસીઓ દોડી આવ્યાં હતાં. મનીષાબેન અને જિજ્ઞેશભાઇ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, પરંતુ અહીં સારવાર દરમિયાન મનીષાબેને દમ તોડી દીધા બાદ થોડીવાર પછી જિજ્ઞેશભાઇનું પણ મોત નીપજ્યું હતું.

Download Our B K News Today App



Related News