રાજકોટના ખેડૂત બુઝુર્ગને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 6.31 લાખ પડાવી લેવા અંગે એક મહિલા સહિત 7 સામે ગુનો નોંધાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-11 17:37:40
  • Views : 38
  • Modified Date : 2025-03-11 17:37:40

મૂળ ભાણવડ પંથકના વતની અને હાલ રાજકોટમાં રહેતા એક ખેડૂત બુઝુર્ગને જામનગરમાં જમીનના નકશા અંગેના કાગળો તૈયાર કરવા માટે ખોડીયાર કોલોની વિસ્તારમાં એક મહિલાના ઘેર બોલાવ્યા પછી હનીટ્રેપમાં ફસાવ્યા હતા, અને એક મહિલા, નકલી પોલીસ વગેરે સહિત 7 શખ્સોએ ખેડૂત પાસેથી 6.31 લાખની રોકડ રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ ભાણવડ તાલુકાના સઇ દેવળીયા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા અને ખેતીકામ કરતા વસંતભાઈ ગોરધનભાઈ શીરા નામના 62 વર્ષના ખેડૂત બુઝુર્ગ કે જેઓએ કાલાવડ પંથકમાં 18 વીઘા જમીન ખરીદ કરી હતી. જે જમીનને વેચવાની હોવાથી તેના જરૂરી કાગળો અને નકશા વગેરે તૈયાર કરવા માટે જામનગરમાં આવેલી જમીન શાખાનો સંપર્ક કર્યો હતો, અને તેના નકશામાં ભૂલ હોવાથી સુધારો કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવા માટે તેઓ જામનગર આવ્યા હતા.

જે દરમિયાન લાલ બંગલા સર્કલમાં એક શખ્સનો તેને ભેટો થયો હતો, અને મારા કુટુંબી માસા કે જેઓ જમીન શાખામાં નોકરી કરતા હતા, અને હાલ નિવૃત થઈ ગયા છે, તેઓ તમારા નકશા વગેરેનું કામ પૂરું કરાવી આપશે, તેમ જણાવી ખોડીયાર કોલોની વિસ્તારમાં એક મકાનનું મોબાઇલમાં લોકેશન નાખ્યું હતું. જે મોબાઈલ લોકેશનના આધારે વસંતભાઈ ઉપરોક્ત મકાને પહોંચ્યા હતા, અને તેઓને ઘરમાં બોલાવીને બેસાડ્યા હતા. જે દરમિયાન ચાલીસેક વર્ષની એક યુવતી પાણી દેવાના બહાને તેના રૂમમાં આવી હતી. જે રૂમનો દરવાજો યુવતીએ દરવાજો બંધ કરી દઈ પોતે નિર્વસ્ત્ર બની ગઈ હતી, અને ખેડૂતને પોતાના બાથમાં લીધા હતા. જે દરમિયાન અચાનક રૂમનો દરવાજો ખોલીને બે-ત્રણ વ્યક્તિ ધસી આવ્યા હતા, અને પોતાની પોલીસ તરીકે ખોટી ઓળખ આપીને ખેડૂતને ધાક ધમકીઓ આપી આવા ધંધા કરો છો, તમારી સામે પોલીસ કેસ કરવાનો થશે, તેમ જણાવી ડરાવ્યા ધમકાવ્યા હતા, અને આખરે 15 લાખ રૂપિયામાં સમાધાન કરવા જણાવ્યું હતું. જેમાં આખરે સેટલમેન્ટના ભાગરૂપે 6 લાખ રૂપિયાની માંગણી કરી હતી, અને સામાજિક બદનામીના ડરના કારણે વસંતભાઈએ પોતાના અન્ય મિત્રો વગેરેની મદદથી આંગડિયા મારફતે 5,96,500જેવી રકમ મંગાવી હતી.

Download Our B K News Today App



Related News