રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે કહ્યું- ચૂંટણીમાં અમારા નેતાઓ અને કાર્યકર્તાઓએ મજૂરી કરી, કાળી મજૂરી કરનારને કોરોના થતો નથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-21 15:25:46
  • Views : 233
  • Modified Date : 2021-03-21 15:25:46

    રાજકોટ જિલ્લામાં વધતા કોરોનાના સંક્ર્મણને પગલે આજે કલેક્ટર કચેરી ખાતે નોડલ અધિકારી રાહુલ ગુપ્તા દ્વારા એક્શન પ્લાનને લઈને ખાસ મિટિંગ બોલાવવામાં આવી હતી. એ સમયે રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલને મીડિયા દ્વારા ચૂંટણી સમયે તમારા નેતાઓ અને કાર્યકર્તાઓની માસ્ક અંગેની બેદરકારી વિશે સવાલ પૂછતાં જવાબમાં ગોવિંદ પટેલે કહ્યું કે, કોરોના કાળી મજૂરી કરનારાઓને નથી થતો, ચૂંટણીમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ મજૂરી કરી હતી. જેના કારણે એક પણ નેતા કે કાર્યકર્તા કોરોના સંક્રમિત થયા નથી. ગોવિંદ પટેલના નિવેદનથી ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

    જો સત્તાધારી પક્ષના નેતાઓ જ આ પ્રકારે વાત કરતા હોય તો શું સામાન્ય પ્રજા કાળી મજૂરી નથી કરતી!, શું પ્રજા માટે જ કોરોનાની ગાઈડલાઇન્સ નિર્મિત થઈ છે, આવા પ્રશ્નો ગોવિંદ પટેલના જવાબ પરથી લોકોમાં ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરની વરણી સમયે મોટાભાગના કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા હતા. ભાજપના વિજેતા ઉમેદવારો, કાર્યકરો અને આગેવાનોએ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. અહીં નિયમ અને દંડ માત્ર પ્રજા માટે છે પક્ષ માટે નહીં તેવી લોકોમાં ચર્ચા થઇ રહી હતી. ભીડમાં સોશિયલ ડિસ્ટન્સનું નામોનિશાન જોવા મળી રહ્યું નથી. આવી પરિસ્થિતિમાં જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે આ પ્રમાણેની લાપરવાહી ભારે પડી શકે તેમ છે. ટોળામાં રહેલા મોટાભાગના લોકોએ માસ્ક પણ પહેર્યુ નહોતું.

    આ પહેલા રાજકોટ પોલીસ કમિશનરે રાત્રિ કર્ફ્યૂ અંગે માહિતી આપતો એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે કોવિડ ગાઇડલાઇન્સનું સૌ રાજકોટવાસીઓ પાલન કરે, પરંતુ બીજા જ દિવસે રાજકોટ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતાં કાર્યકરો દ્વારા રસ્તા પર ફટાકડા ફોડી વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત પોલીસ કમિશનર કચેરીથી માત્ર 25 ફૂટના અંતરે છે ત્યારે આ નિયમો જાણે પ્રજા માટે જ હોય એવો ઘાટ ઘડાય રહ્યો છે.


Download Our B K News Today App



Related News