દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-10 08:10:09
  • Views : 83
  • Modified Date : 2024-01-10 08:10:09

ગુજરાતમાં પણ ભર શિયાળે માવઠાનું સંકટ જોવા મળી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યા બાદ આજે પણ કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે.જેના પગલે લોકોની ચિંતામાં વધારો થયો છે.દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભર શિયાળે વરસાદ ખાબક્યો છે. આજે છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. બોડેલી, ઢોકલીયા, અલીપુરામાં વરસાદ વરસ્યો છે. ઠંડીના વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે. જેના પગલે ખેડૂતોને કપાસ, મકાઈ, તુવેરના પાકને નુકસાન થવાની શક્યતા છે. તો આ તરફ દાહોદ શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. દાહોદ અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે.ગઇકાલે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. શિનોર તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો અહીં બોડેલી પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. બોડેલી, ઢોકલીયા, અલીપુરામાં વરસાદ ખાબક્યો હતો. નર્મદા જિલ્લામાં પણ મેઘરાજાનો કહેર જોવા મળ્યો. અહીં રાજપીપલામાં કમોસમી વરસાદ અચાનક જ શરૂ થઈ ગયો.કપાસ અને તુવેરના પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે. ભરૂચ જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના પગલે ભરૂચ શહેરમાં વરસાદ ખાબક્યો. સુરત જિલ્લામાં પણ વરસાદ પડ્યો. અહીં ઓલપાડ તાલુકાના અનેક વિસ્તારમાં કહેર જોવા મળ્યો. વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા, તો બીજી તરફ ભરશિયાળે વરસાદ ખાબક્તા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.મહત્વનું છે કે હવામાન વિભાગે ગુજરાતમાં  બે દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અમરેલીમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં વરસાદ પડશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે. અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે માવઠાની શક્યતા છે.

Download Our B K News Today App



Related News