લોકડાઉનની સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં મનરેગા હેઠળ ૫૦,૦૦૦ લોકોને રોજગારી આપવા રાહત કામો શરૂ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-12 12:24:07
  • Views : 535
  • Modified Date : 2020-06-12 12:24:07

કોરોના વાયરસ કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. આ લોકડાઉનની સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ સહિત તમામ લોકો માટે સારા પગલાં લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને રોજનું કમાઇને પેટીયું રળતાં શ્રમિકો માટે મનરેગા યોજના હેઠળ તળાવો ઉંડા કરવા સહિતના રાહત કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પૂર્વ
પટ્ટામાં વસતા અદિવાસી લોકોને પણ રોજગારી મળી રહે તે માટે દાંતા અને અમીરગઢ તાલુકામાં મનરેગા હેઠળ રાહત કામો શરૂ કરવામાં આવ્યા છે. દાંતા તાલુકાના અંબાજી નજીકના ગામોમાં મનરેગા હેઠળ ચાલતા કામોનું જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ૩૮ હજાર જેટલા લોકો વિવિધ ગામોમાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામોમાં રોજગારી મેળવી રહ્યા છે. તેમણે કહ્યુ કે લોકડાઉનની સ્થિતિમાં લોકોને પોતાના ગામમાં જ રોજગારી મળી રહે તે માટે ૫૦ હજાર લોકોને રોજગારી આપવાના આશયથી રાહત કામો શરૂ કરવામાં આવ્યા છે. આ કામગીરીને શ્રમિકોએ પણ આવકારી સારી સંખ્યામાં રોજગારી માટે મનરેગાના કામોમાં તેઓ જોડાયા છે. તેમણે કહ્યુ કે હજુ વધુ લોકો આ કામગીરીમાં જોતરાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
અંબાજી નજીક ચલતા મનરેગા યોજનાના કામોની સમીક્ષા કરવા આવેલા જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીની ટીમ સાથે મનરેગા હેઠળ ચાલતા કામોના સ્થળ ઉપર જઇ જિલ્લા વિકાસ અધિકારીએ આદિવાસી મજુરો સાથે વાતચીત પણ કરી હતી. તેમણે જણાવ્યું કે અહી કામ કરતા મજુરો પોતાની મજુરીના કામ પ્રમાણે નાણાં મેળવી રહ્યા છે. જેના અંદાજે રોજના ૧૪૦ થી ૧૮૦ રૂપિયા મજુરી મેળવે છે.
આ તમામ મજુરોને મજુરીના નાણાં તેમના બેન્ક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે. દાંતા તાલુકામાં મહત્તમ અદિવાસી લોકો
પોતાના વિસ્તારમાં જ મજુરી કરી આત્મનિર્ભર બની રહ્યા છે. અંબાજી નજીક આવેલા રીંછડી ગામમાં પણ મનરેગા યોજના હેઠળ રાહત કામ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાયબલ વિસ્તારના ૯૦ જેટલા સ્ત્રી-
પુરૂષો હાલ તળાવ ઊંડા કરવાની કામગીરીમાં જોતરાયા છે. અહીં કામ કરતા મજુરો માટે પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા સહિત આરોગ્યલક્ષી ફર્સ્ટએડ કીટની પણ સુવિધા
ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલ સમગ્ર જિલ્લામાં મનરેગા યોજનાની કામગીરી બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે. 

Download Our B K News Today App



Related News