ધાનેરાના ગોલાના પૂજારીની સોપારી આપીને કરાવાઇ હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-29 11:18:32
  • Views : 1494
  • Modified Date : 2020-11-29 11:18:32

ધાનેરા તાલુકાના ગોલા ગામના પૂજારીની લાશ ધરણોધર ગામની ઝાડીમાંથી
ગુરૂવારે મળી આવી હતી. જેની  ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.  મૃતકની હત્યા કરવામાં આવી હોય તેવા ચિન્હો દેખાતા ધાનેરા પોલીસ તથા જિલ્લા એલ.સી.બી. ટીમ દ્વારા સઘન તપાસ કરતાં મૃતકની સોપારી આપીને હત્યા કરવામાં આવી હોવાનંુ સામે આવ્યું હતું. જેમાં  હત્યા કરનાર તથા
સોપારી આપનાર ત્રણે આરોપીઓને  પોલીસે દબોચી  જેલના હવાલે કર્યા છે. ગોલા ગામના અને હાલ ધરણોધર ખાતે પૂજા કરતા  રમેશભારથી ભાણાભારથી ગૌસ્વામીની પત્નિ સાથે ગોલા ગામના શીવાભાઇ પટેલના આડા સબંધો હતા. તેની જાણ રમેશભારથીને થતાં  શીવાભાઇ પટેલને પોતાના ઘરે આવવાની ના પાડી હતી.  જેની અદાવત રાખી શીવાભાઈ ગોકળાભાઇ પટેલ (રહે.ગોલા તા.ધાનેરા)  એ મનમાં અદાવત રાખીને તેનો કાંટો કાઢવા માટે એક પ્લાન તૈયાર કરી  પોતાના ખેતરમાં કામ કરતા ભાગીયા પ્રકાશભાઇ જબરાભાઇ લુહાર (રહે.સુરાવા તા.સાંચોર -રાજસ્થાન)ને રૂપિયા સાડા ત્રણ લાખ આપવાની વાત કરી  રમેશભારથીને જાનથી મારી નાંખવાનું જણાવ્યું હતું. જેથી  ભાગીયો પ્રકાશભાઇ હત્યા કરવા માટે તૈયાર થયો હતો. પરંતુ આ ઘટનાને અંજામ આપવા તેણે શિવાભાઇને એકલાથી આ કામ થાય તેમ ના હોવાથી  રાજસ્થાનથી માણસો બોલાવવા પડશે તેમ જણાવ્યું હતું. જેથી આ શીવાભાઇ પટેલે રાજસ્થાનથી માણસ બોલાવવા જણાવતા ભાગીયા પ્રકાશ દ્વારા તા.૨૬ નવે. ૨૦ ના રોજ સાંજના લાસીવાડાના દારૂના ઠેકા પાસે રાજસ્થાનથી આવેલ ઇસમ  સહિત  આ ત્રણે લોકોએ મળી કાવતરૂ રચી રમેશભારથીને જાનથી મારી નાખવા રૂ.૩,૫૦,૦૦૦/- ની સોપારી શીવાભાઇ પટેલે બન્નેને આપી હતી. ત્યારબાદ પ્લાન મુજબ ગુરૂવારે સાંજે શીવાભાઇ પટેલના ભાગીયા પ્રકાશભાઇએ રમેશભારથીને ફોન કરી ઘરથી થોડે દુર આવેલ બાવળની ઝાડીમાં બોલાવી  વાતોમાં વ્યસ્ત રાખી રાજસ્થાનથી બોલાવેલ લુણારામે  કાવતરા મુજબ પૂજારી રમેશભારથીના બન્ને હાથ બાંધી લોખંડના વાયરથી ગળુ દબાવી મોત નિપજાવી  હત્યારા નાશી છુટયા હતા. જ્યારે પૂજારીની લાશ બીજા દિવસે ઝાડીમાંથી મળી આવી હતી. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ ધાનેરા પી.આઇ.સમીરસિંહ ડાભી, એલ.સી.બી. ની ટીમને સોંપવામાં આવતા ગણત્રીના કલાકમાં આ હત્યાનો ગુનો ઉકેલી દીધો હતો અને આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરાયા છે.

Download Our B K News Today App



Related News