ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનના વહીવટદારની પીએસઆઈ જનક સામે દબંગાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-06 11:17:11
  • Views : 305
  • Modified Date : 2020-10-06 11:17:11

ગાંધીનગર વીઆઈપી વિસ્તારના ઈન્ફોસિટી પોલીસ મથકના વહીવટદારે ઈન્ફોસિટી શોપીંગ ખાતે કચરા ટોપલી હટાવવા જેવી નજીવી બાબતે જાહેરમાં જ પોલીસ સબ
ઇન્સ્પેકટરને બિભત્સ ગાળો બોલી ખાખી વર્દીની લાજ લઇ પોતાની દબંગાઈ બતાવતા સમગ્ર મામલો મોડી રાત્રે
પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જોકે, ઉપરી અધિકારીઓની દરમિયાનગીરીથી
પીએસઆઈએ હોદ્દાની રૂહે ઈન્ફોસિટી પોલીસના વહીવટદાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનું માંડી વાળ્યું હતું.
ગુજરાત પોલીસને ટ્રેનિંગ દરમિયાન જ સેવા, સુરક્ષા, શાંતિ અને શિસ્તના પાઠ ભણાવવામાં આવતા હોય છે. પરંતુ ઘણીવાર સ્થાનિક
પોલીસના વહીવટદાર પોતાને પોલીસ મથકના સર્વોપરી માની લઈ ઉપરી અધિકારીનાં હોદ્દાની માનમર્યાદા પણ જાળવતા નથી. આવો એક બનાવ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ જનક બ્રહ્મભટ્ટ સાથે ગઈકાલે બન્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પીએસઆઈ જનક બ્રહ્મભટ્ટનો પુત્ર ઈન્ફોસિટી ખાતે બૂટની દુકાન ચલાવે છે. ગઈકાલે દુકાન આગળ કચરા ટોપલી મૂકવા બાબતએ તેને સિક્યુરિટી ગાર્ડ સાથે નજીવી તકરાર થઇ હતી. જેથી સિક્યુરિટી ગાર્ડે કોઈ ઉચ્ચ
પોલીસ અધિકારીને ફોન કર્યો હોય તેવો રુઆબ બતાવ્યો હતો. જેથી ડરી ગયેલા યુવાને તેના પિતા પીએસઆઈ જનક બ્રહ્મભટ્ટને ફોન કરીને બોલાવી લીધા હતા. ત્યારે સિક્યુરિટી ગાર્ડે ફોન કરેલ પોલીસ અધિકારી નહીં બલ્કે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં વહીવટદારની ભૂમિકા ભજવતા સિદ્ધરાજસિંહ આવી પહોંચ્યા હતા. જેમણે ઈન્ફોસિટી ખાતે કચરા ટોપલી ખસેડવા જેવી સામાન્ય બાબતે પીએસઆઈ જનક બ્રહ્મભટ્ટ, તેમની પત્ની અને પુત્ર સાથે ગેરવર્તણૂક કરી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે ઘડી ઈન્ફોસિટી ખાતે લોકોનો મેળાવડો જમા થઈ ગયો હતો. એક વહીવટદાર થઈને પોતાના ઉપરી અધિકારી ગણાતા પીએસઆઇને બેફામ ગાળો બોલી ખાખી વર્દીનું ચીરહરણ કરનાર જમાદાર સિદ્ધરાજસિંહની દબંગાઈ જોઈને ઈન્ફોસિટી સંકુલનાં
વેપારીઓ પણ ચોકી ગયા હતા.
આ બાબતે પીએસઆઈ જનક ફરિયાદ કરવા માટે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશને
પહોંચી ગયા હતા. એક
પોલીસ અધિકારી ન્યાય માટે
પોલીસ મથકે પહોંચતા ઈન્ફોસિટી પોલીસ મથકમાં દોડધામ મચી જવા પામી હતી. આ બાબતની જાણ ઉપરી અધિકારીને થતા વહીવટદાર સિદ્ધરાજસિંહનો પસીનો છૂટી ગયો હતો. મોડી રાત સુધી
પીએસઆઈને ફરિયાદ નહીં કરવા ઉચ્ચ અધિકારીઓએ સમજાવતા પીએસઆઈ તેમની હોદ્દાની રૂહે ફરિયાદ કરવાનું કમને ટાળ્યું હતું અને ખાખી વર્દીની લાજ રાખી હતી. જ્યારે સામે પક્ષે વહીવટદાર સિદ્ધરાજસિંહે પોતાની દબંગાઈથી ઈન્ફોસિટી જેવા ભરબજારમાં ખાખી વર્દીની લાજ લેવામાં કોઈ કસર છોડી ન હતી. નોંધનીય છે કે કાયદાનો સકંજામાં ફસાવવાની વાતથી ફફડી ઉઠેલા વહીવટદાર સિદ્ધરાજસિંહે
પોતાના અધિકારીની હાજરીમાં પીએસઆઈ જનક બ્રહ્મભટ્ટની મૌખિક માફી માંગી ઈન્ફોસિટી સંકુલમાં કચરા ટોપલીને મૂળ જગ્યાએ મૂકવાની ફરજ પડી હતી. આ અંગે પીએસઆઈ જનક બ્રહ્મભટ્ટ એ જણાવ્યું હતું કે, મારા પરિવારની સામે ઈન્ફોસિટીના વહીવટદાર સિદ્ધરાજસિંહે જે વર્તાવ કર્યો તે અંગે ગાંધીનગર જિલ્લા
પોલીસ વડા મયુર ચાવડાને ફરિયાદ કરી ન્યાય મેળવવા રજૂઆત કરીશ.
 
સિદ્ધરાજસિંહના અંગત વહીવટદાર દ્વારા કરવામાં આવતા ઉઘરાણા મુદ્દે પણ ઈન્ફોસિટી વિસ્તારમાં ચર્ચા
જાહેરમાં ખાખી વર્દીનું અપમાન કરનાર વહીવટદાર સિદ્ધરાજસિંહે પણ એક વહીવટદાર રાખ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મોટાભાગે ઈન્ફોસિટી પોલીસ ચોકીમાં જોવા મળતા આ વહીવટદાર દ્વારા સંકુલના વેપારીઓને પોલીસનો રુઆબ બતાવી વાર તહેવારે ઉંઘરાણા સિવાય મળતિયાઓને ભારે ડિસ્કાઉન્ટ આપવા માટે દબાણ કરતો હોવાનો આક્ષેપ સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે. તે સિવાય પોલીસની સરકારી ગાડીમાં અવારનવાર દેખાતો આ વહીવટદાર ઈન્દ્રોડા, ધોળકૂવા, ભાટ વિગેરે વિસ્તારમાં રેતી ચોરી, દેશી દારૂના અડ્ડાઓ વાળા સાથે વહીવટ કરતો હોવાની સિલસિલાબંધ વિગતો મળી રહી છે. બીજી તરફ સિદ્ધરાજસિંહ દ્વારા ડયુટીના સ્થળ સહિતના વહીવટીય કામગીરીમાં પણ કનડગત કરવામાં આવતી હોવાથી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ત્રાહિમામ પોકારી ઉઠયો છે. જોકે, પોલીસ પ્રોટોકોલ મુજબ ઈન્ફોસિટી પોલીસ મથકનો સ્ટાફ ખુલીને બહાર આવતો નથી કેમ કે ફરિયાદ કરવા જાય તો અધિકારીના રોષનો ભોગ બનવા કોઈ તૈયાર નથી. આ સમગ્ર બાબતે બી. કે. ન્યુઝ દૈનિક દ્વારા સિધ્ધરાજસિંહના ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓએ કોઈ કારણસર ફોન રીસીર્વ કર્યો ન હતો.

Download Our B K News Today App



Related News