ગોંડલ યાર્ડમાં ચાઈનીઝ લસણ ઘુસાડવાનો વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-09 19:07:36
  • Views : 176
  • Modified Date : 2024-09-09 19:07:36

રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ગત તારીખ 7 સપ્ટેમ્બર, 2024ના રોજ પ્રતિબંધિત ચીનનું લસણ ઘૂસાડવામાં આવ્યું હતું. જેના વિરોધમાં હવે આખા દેશમાં વેપારીઓ દ્વારા આવતીકાલે તારીખ 10.09.2024ના રોજ લસણનું કામકાજ બંધ રાખવા જાહેરાત કરવામાં આવી છે. જેના સમર્થનમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તમામ માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલે લસણનો વેપાર કરવામાં આવશે નહિ. કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે, આવતીકાલે કોઈ પણ ખેડૂતે યાર્ડમાં લસણ લઈને આવવું નહિ.સૌરાષ્ટ્રના તમામ યાર્ડમાં લસણનો વેપાર ધંધો રહેશેઃ અતુલ કમાણી રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કમાણીએ જણાવ્યું હતું કે, આવતીકાલે આખા ભારતમાં લસણના વેપારીઓ લસણના વેપારથી અળગા રહેવાના છે. જેના સમર્થનમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ પણ આવતીકાલે લસણનો વેપાર કરશે નહીં. રાજકોટ જ નહીં, પરંતુ તમામ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણનો વેપાર ધંધો આવતીકાલે બંધ રાખવામાં આવશે. હાલમાં ચીનથી વાયા અફઘાનિસ્તાન થઈ ભારતમાં લસણ ઘૂસાડવામાં આવી રહ્યું છે.આ લસણથી દેશના ખેડૂતોને મોટું નુકસાન થઈ શકેવધુમાં જણાવ્યું હતું કે, આ લસણ ખાવાલાયક ન હોય અને વાઇરસ વાળું હોય છે. સસ્તી કિંમતે ચીનમાંથી લસણ ખરીદ કરી મોંઘા ભાવે ભારતમાં વેચી નાનામાં નાના માણસ સુધી પહોંચાડવા માટેનું આ આખું ષડયંત્ર છે. તેના વિરોધમાં નિર્ણય કરી આવતીકાલે 10.09.2024ના રોજ તમામ માર્કેટિંગ યાર્ડ ખાતે લસણનું કામકાજ બંધ રાખવામાં આવશે. આવતીકાલે રાજકોટ યાર્ડ ખાતે કોઈ ખેડૂત લસણ લઈને ન આવે તેવી અપીલ કરવામાં આવી રહી છે. જો આ લસણ ભારતમાં આવશે તો આપણા દેશના ખેડૂતોને પણ મોટું નુકસાન થઈ શકે તેમ છે. આપણા દેશના ખેડૂતો જે લસણનું ઉત્પાદન કરે છે તેમને પોષણક્ષમ ભાવ મળી શકતા નથી.વધુમાં અતુલ કમાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં રાજકોટ જિલ્લામાં આસપાસના તાલુકામાંથી લોકલ લસણ આવતું હોય છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં લસણનું વાવેતર અને ઉત્પાદન થતું હોય છે. હાલ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે દરરોજ 2000થી 2500 મણ લસણની આવક થઇ રહી છે અને હાલ લસણનો ભાવ એક મણનો 4500થી 5200 રૂપિયા મળી રહ્યા છે. દિવાળી આસપાસ લસણની મુખ્ય સીઝન હોય છે. આ દરમિયાન રાજકોટ યાર્ડમાં 2000થી 2500 ગુણી લસણની આવક થતી હોય છે.ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, યાર્ડની અંદર ચીનનું લસણ આવ્યું છે, તેવું વેપારીઓનું માનવું છે. અહીંના વેપારીઓને અનુભવ છે અને વેપારીઓ લસણને હીરા કરતા વધારે પારખે છે. વેપારીઓએ મને રજૂઆત કરી જણાવ્યું હતું કે, કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય. કારણ કે, ભારતની અંદર ચીનના લસણનો પ્રતિબંધ છે. આ વાતનો દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અમે રજૂઆત કરીશું. ભારતની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એ બંધ કરવું પડશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ માર્કેટિંગ યાર્ડે ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે. ખેડૂતોને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કોઈપણ ભોગે ચલાવી લેવામાં ન આવે તેના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને કડક રજૂઆત કરીશું. અમારા વેપારીઓની લાગણી અને માગણી યોગ્ય છે. કારણ કે, આ માગણી પોતાના માટે નથી, રાજ્યના ખેડૂતો માટેની છે. જવાબદાર સામે કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી વચન આપ્યું છે. આ ચીનનું લસણ વાયા ઉપલેટાથી આવ્યું હોવાથી સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. તપાસના અંતે જે કોઈ ગુનેગાર હોય તેમની અમે રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરીશું.ઉપલેટાના વેપારીને ખેડૂતે લસણ આપ્યું હતું ઉલ્લેખનીય છે કે, ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઈનાનું લસણની આવકને લઈ ગોંડલ યાર્ડમાં સ્થાનિક પોલીસ, LCB, SOG સહિતની બ્રાન્ચો યાર્ડની ઓફિસ ખાતે આવી પહોંચી હતી અને યાર્ડના વેપારીની પૂછપરછ હાથ ધરી હતી. ગોંડલ યાર્ડમાં ઉપલેટાના અલતાફભાઈ નામના વેપારીને ખેડૂતે ગોંડલ યાર્ડની એક પેઢીમાં લસણ આપ્યું હતું. હાલ ઉપલેટાના અલતાફ નામના વ્યક્તિની પોલીસે શોધખોળ હાથ ધરી છે. 

Download Our B K News Today App



Related News