કોંગ્રેસ ફ્રી વેક્સિન અને વાઈફાઈ તો ભાજપ વિકાસ, રોજગારી અને AAP પાણી ટેક્સ, શિક્ષણ, આરોગ્યના મુદ્દા સાથે પ્રચાર કરવા મેદાને.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-15 12:35:20
  • Views : 236
  • Modified Date : 2021-02-15 12:35:20

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોના રાજકીય ડ્રામા સામે આવ્યા છે. પહેલા ઉમેદવારી ફોર્મ ભરવા ત્યારબાદ યાદી જાહેર થયા બાદ કાર્યકર્તાઓના હોબાળાએ છેલ્લા એક મહિનાથી ગુજરાતના રાજકારણમાં હલચલ ઉભી કરી દીધી છે. ત્યારે હવે ટૂંક સમયમાં મતદાનની પ્રક્રિયા શરૂ થશે. જેને લઈને હાલમાં 6 મહાનગરોમાં પ્રજાને રિઝવવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ તો જીત બાદ ફ્રી વેક્સિન તેમજ વાઈફાઈ જેવી લાલચ આપી પ્રજાને પોતાની તરફ ખેચવા ઢંઢેરો પીટી રહી છે. બીજીતરફ ભાજપ રોડ-રસ્તા તેમજ રોજગારીના મુદ્દાઓ સાથે પ્રચાર કરવા મેદાને ઉતર્યું છે. તો આમ આદમી પાર્ટી દિલ્હી મોડલ સાથે પ્રચાર કરી રહી છે. તો આવો પ્રજાને રિઝવવા રાજકીય પક્ષોના ચાલી રહેલા પ્રચાર પર એક નજર કરીએ.

    મતદાનને હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. ત્યારે કોંગ્રેસ 6 મહાનગરોમાં પોતાના ઉમેદવારોને જીત અપાવવા માટેના પ્રચાર શરૂ કરી દીધા છે. આ વખતે જીત મેળવવા માટે કોંગ્રેસ પ્રજાને અનેક વાયદા કરી રહી છે. જેમકે, દરેકને મફત કોરોના વેક્સિન, મફત વાઈફાઈ, મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરી, 50 હજારથી વધુને નોકરી, તેમજ વર્ષો સુધી અડીખમ રહે તેવા રસ્તા આપશે. આ સિવાય પણ કોંગ્રેસ ડાયાબિટિસ-બ્લડ પ્રેશનનું મફત ટેસ્ટિંગ તેમજ લોકડાઉન સમયના પ્રોપર્ટી ટેક્સને માફ કરવાનો દાવો કરે છે.

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે ભાજપે રણશિંગુ ફૂંકી દીધું છે અને પ્રજાને રિઝવવા ભાજપે ‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડિખમ’ ચૂંટણી નારાની પણ શરૂઆત કરી દીધી છે. વિકાસના મુદ્દાને આગળ ધરીને ભાજપ ફરી એકવાર મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યું છે. સાથે જ યુવા વર્ગને રોજગારી આપવાની પણ વાતો થઈ રહી છે. સાથે અલગ-અલગ વોર્ડમાં ડીજે તેમજ હાથી તેમજ ઢોલ-નગારા સાથે કાર્યકર્તાઓ પ્રચાર કરી રહ્યા છે.

    આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એડીચોટીનું જોર લગાવી દીધું છે. પાર્ટીના મુખ્ય મુદ્દા, પાણી ટેક્સ, શિક્ષણ, તેમજ રોજગારી પરના છે. પાર્ટીનું કહેવું છે કે, દિલ્હીના મતદારોને શિક્ષણથી લઇને આરોગ્ય, પાણી અને રસ્તાઓની સુવિધા મળી રહી છે, તેવી તમામ સુવિધાઓ ગુજરાતના મતદારોને પણ મળવી જોઈએ. જે પ્રકારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર કામ કરી રહી છે, તે મુજબ કોઈ પણ રાજ્યની સરકારો કામ કરે તો જે તે રાજ્યના મતદારોને પ્રાથમિક કહી શકાય તેવી સારું આરોગ્ય, સારું શિક્ષણ અને સારા માર્ગ મળી શકે છે.

    રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના પ્રચાર-પ્રસાર માટે સમર્થકો અને કાર્યકરોને કામે લગાડવા ભાજપ-કોંગ્રેસ દ્વારા જોર લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રિસાયેલાને મનાવવા માટે ધારાસભ્યો અને નેતાઓની હાજરીમાં ડિનર ડિપ્લોમસી સાથે ડેમેજ કંટ્રોલની કવાયત ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનાં ચૂંટણી કાર્યાલય ધમધમી રહ્યાં છે, ત્યાં પણ કાર્યકરોને ભીડ એકઠી કરવા તેમજ છેલ્લી ઘડીએ કપાઈ ગયેલા ટિકિટવાંછુઓની હાજરી ચૂંટણી કાર્યાલય પર રહે એ માટે રણનીતિ અપનાવવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યકરો માટે ઉમેદવાર અને પાર્ટી કાર્યાલય પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપ કાર્યાલય ખાતે ગરમ ભજીયા અને ત્યારબાદ આઈસ્ક્રીમની વ્યવસ્થા તો કોંગ્રેસ દ્વારા પણ દિવસ રાત પ્રચાર કરતા કાર્યકરો માટે બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં વેજ નોનવેજ બન્ને પ્રકારના જમવાની વ્યવસ્થા છે.


Download Our B K News Today App



Related News