ભાવનગરના 97 વર્ષના વૈજ્ઞાનિક પ્રો.સુખદેવજી વિશ્વ સ્તરે ચમક્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-07 12:04:49
  • Views : 464
  • Modified Date : 2020-11-07 12:04:49

         સફળતા મળે કે નિષ્ફળતા પરંતુ સતત નવું કાર્ય કરતા રહેવાથી ઉંમરની અસર થતી નથી. આ વાતનું જીવંત ઉદાહરણ ભાવનગરમાં રહેતા 97 વર્ષના પદ્મવિભૂષણ પ્રોફેસર સુખદેવ છે. તેમને હાલમાં અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિ.દ્વારા ભારતના શ્રેષ્ઠ 1500 વૈજ્ઞાનિકો ની યાદીમાં સમાવાયા છે. તેઓ કાર્બનિક રસાયણ શાસ્ત્રના ભીષ્મપિતા તરીકે ભારતમાં ઓળખાય છે.પ્રો.સુખદેવ 1974માં માલતી કેમ સંશોધન કેન્દ્રમાં જોડાયા હતાં. તે દરમિયાન વનસ્પતિમાંથી મળતાં જટિલ રાસાયણિક સંયોજનોને છૂટા પાડીને તેમનું બંધારણ સાબિત કરી આ સંયોજનોનો ઉપયોગ માનવજાતના રોગ સામે લડવા માટે ઉપયોગી છે તેવું સાબિત કરેલું છે. યાદીમાં તેમના પ્રદાનને ટોકસિકોલોજી નામના વિષયમાં 754 નંબર ઉપર દર્શાવવામાં આવેલ છે. ભાવનગર યુનિવર્સિટી રસાયણશાસ્ત્ર ભવનના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રો.નિશીથ દેસાઈએ જણાવ્યું કે, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા જે વૈજ્ઞાનિકોના નામ જાહેર કરવામાં આવ્યા છે તે તમામ વિશ્વવિદ્યાલયો અથવા સરકારી કે અર્ધસરકારી સંશોધન સંસ્થાઓમાં જોડાયેલા છે અથવા જોડાયેલા હતા. પરંતુ ડૉ સુખદેવ એકમાત્ર એવા વૈજ્ઞાનિક છે કે જેઓ ખાનગી માલતી કેમ નામના સંશોધન કેન્દ્રમાં કાર્ય કરતા હતા અને આ સમય દરમિયાન તેમણે જે કાર્ય પ્રકાશિત કર્યું છે તેના ઉપર તેમના વૈજ્ઞાનિક કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.ભાવનગરમાં રહેતા વૈજ્ઞાનિક દ્વારા 35 વર્ષ પૂર્વે કરેલા કાર્યને આજે 2020માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા લિસ્ટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.તે સ્વયં સ્પષ્ટ કરે છે કે તેઓ દ્વારા 1970થી 1985માં કરેલું કાર્ય કેટલું ગુણવત્તાસભર હશે. આ યાદીમાં કદાચ એકમાત્ર 97 વર્ષના વયોવૃદ્ધ વૈજ્ઞાનિક હશે, જેઓ હાલમાં પણ દિવસભર પોતાના સંશોધનમાં કાર્યરત છે.

Download Our B K News Today App



Related News