સમસ્યાની સંભાવના:અમદાવાદમાં હોમ આઈસોલેટ દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શન નહી મળે તો હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-21 15:08:28
  • Views : 381
  • Modified Date : 2021-04-21 15:08:28

    રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત બાદ હોસ્પિટલમાં તો ઇન્જેક્શન આપવામાં આવે છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન (AHNA)ને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું બંધ કરી દેવામાં આવતા AHNAના હોદ્દેદારોમાં રોષ ફાટી નીકળ્યો છે. AMCના ઇન્જેક્શન ન આપવાના નિર્ણયના કારણે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને વધુ તકલીફ પડશે. જો હોમ આઇસોલેટ દર્દીઓ માટે ઇન્જેક્શન નહીં આપવામાં આવે તો વિકટ પરિસ્થિતિ બનશે. રાજ્ય સરકાર જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની મનમાની પર ધ્યાન નહીં આપે તો અમદાવાદમાં કોરોનાને રોકવો ભારે પડી જાય તેમ છે. AMCના આ નિર્ણયને લઈ AHNAના ડોકટરો રોષે ભરાયા છે અને રાજીનામા પડી રહ્યા છે.

    AHNAના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, AHNA એવા દર્દી માટે રેમડેસિવિરની માંગ કરે છે જે હોમ ક્વોરન્ટીન છે તે વાત ખોટી. જે લોકો હોસ્પિટલમાં બેડ નથી મળતા અને ઘરે સારવાર લઇ રહ્યા છે તેમને રેમડેસિવિર આપવી જોઇંએ. અમારે કંઇ રીતે પ્રેક્ટિસ કરવી એ સત્તાધીશો એમને ન શિખવાડે, સત્તાધીશો અમને ધમકી ન આપે. કયા દર્દીને ક્યારે રેમડેસિવિર આપવું તે સરકાર ડોક્ટર પર છોડી દે. સરકાર અમને સમજાવો પ્રયત્ન છોડી રેમડેસિવિર અને ઓક્સિજન ઉપલબ્ધ કરાવવાનુ કાર્ય કરે. ગમે તેમ કરી રેમડેસિવિર ઘરે સારવાર લેતા લોકો માટે સરકાર ઉપલબ્ધ કરાવે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ માટે રેમડેસિવિર ક્યારે આપવું એનો અનુભવ છે. ઓક્સિજન સપ્લાય માટે કોલ સેન્ટર ઉભું કરવામાં આવે અને જવાબદાર અધિકારી 24/7 હાજર રહે. આ મહામારીને પહોંચી વળવા માટે ઓક્સિજન જરૂરી છે. એક કોલથી સિલિન્ડર પૂરા પાડવામાં આવે એવી વ્યવસ્થા સરકાર કરે. એવું ન બને કે ઓક્સિજનની અછતથી ઓછા દર્દી હોસ્પિટલાઇઝ કરવા પડે.

    રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસોની સાથે રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની જરૂર પડે એવા દર્દીઓની સંખ્યા વધી છે જેને ધ્યાનમાં રાખી હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેક્શન અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AHNAને આપવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. AHNA જેને જરૂર હોય તેવા હોમ આઇસોલેટ દર્દીઓને ઇન્જેક્શન આપશે. છ દિવસ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AHNAને માત્ર 450 ઇન્જેક્શન જ આપ્યા હતા. બે દિવસ બાદ ઇન્જેક્શન આપવાના બંધ કરવામાં આવ્યા હતા.

    રાજ્ય સરકારે કોરોના વધતા તેને કાબુમાં લેવાના પ્રયાસો પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા કરી રહ્યાં હતાં. દરરોજ વિજય નહેરા કેસ અંગે માહિતી અને કોરોનાના કેસો ઘટાડવા માટે રણનીતિ ઘડી તેનો કડક અમલ અને ફિલ્ડમાં ફરી માહિતી મેળવતાં હતા ત્યારે રાજ્ય સરકારે તેમને હટાવી અને કમિશનર તરીકે મુકેશકુમાર અને ખાસ અધિકારી તરીકે ડો. રાજીવ ગુપ્તાને મુક્યા છે. જો કે આ અધિકારીઓ એ.સી ચેમ્બરોમા બેસી મીટીંગ કરી રહ્યા છે. અમદાવાદ મામલે રાજ્ય સરકારે ગંભીર થવાની જરૂર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેસેલા અધિકારીઓની મનમાની અને અણઘડ નીતિઓ પર રાજ્ય સરકાર લગામ નહીં લગાવે તો હાલની પરિસ્થિતિ કરતા વધુ ખરાબ દિવસો પ્રજાને જોવા પડશે.


Download Our B K News Today App



Related News