'સ્કૂલ ફી માફી સામે શાળાના વેરામાં માફી' માંગી સરકારને દબાવવા ખાનગી સંચાલકો નવો દાવ કરવાની વેતરણમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-29 11:42:47
  • Views : 261
  • Modified Date : 2020-09-29 11:42:47

   ગુજરાતમાં કોરોનાના કારણે બંધ રહેલી શાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસે ફી ઉઘરાવવાના વિવાદ વચ્ચે શિક્ષણ વિભાગ પણ સામેલ થયો હતો, પરંતુ શાળા સંચાલકોની જોહુકમી સામે શિક્ષણવિભાગે પણ ઘૂંટણીયા ટેકવી દીધા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેમાં ખાનગી શાળા સંચાલકો વિદ્યાર્થીઓની ફી માફી આપવા તૈયાર નથી અને સરકાર પાસે શાળા બંધ હોવાથી સરકારી વેરામાં માફી માંગવાની વેતરણ કરી રહ્યા છે.

ફી ઘટાડી સંચાલકો પોતાની શાળાના વેરા માફ કરવાની તૈયારીમાં
શિક્ષણ વિભાગની ઢીલી નીતિના કારણે ખાનગી શાળા સંચાલકો ટ્યુશન ફી પણ ઘટાડવા તૈયાર નથી, એટલું જ નહીં સરકાર પર ઉપકાર કરતા હોય તેમ કેટલીક શરતોને આધીન ફી ઘટાડવા તૈયાર થઈ રહ્યા છે, એટલું જ નહીં ફી ઘટાડી સંચાલકો પોતાની શાળાના વેરા માફ કરવાની તૈયારી કરી રહ્યા છે, જેમાં સ્કૂલ ફીમાં રાહત સામે બંધ શાળામાં આવેલા અલગ અલગ સરકારી વેરામાં માફી માંગશે.

હાઇકોર્ટે કરેલા આદેશ પછી પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી
સ્કુલ ફીના મુદ્દે સ્વતંત્ર રીતે નિર્ણય લેવા માટે ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકારને કરેલા આદેશ પછી પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ ખાનગી શાળા સંચાલકો સરકારને દબાવી રહ્યા છે, ત્યારે વાલીઓ પણ સરકારની આવી નીતિ સામે આક્રમક બની ગયા છે, આવા સંજોગોમાં આજે ફરી એકવાર વાલી મંડળ સાથે શિક્ષણ મંત્રીની બેઠક મળશે.સ્કુલ ફીના મામલે હવે આજે 4 વાગે ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર અને વાલી મહામંડળ વચ્ચે તાકીદની બેઠક આયોજીત કરવામાં આવેલ છે.

આજે વાલી મહામંડળ અને સરકાર વચ્ચે ખાસ બેઠક યોજાશે
અહીં એ ઉલ્લેખનીય છે કે, અગાઉ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાજ્યના શાળા સંચાલક મહામંડળ સાથે બેઠક યોજવામાં આવેલ હતી જેમાં 25 ટકા ફી ઘટાડા માટે શાળા સંચાલક મહામંડળ દ્વારા કેટલીક શરતો ને આધીન સહમતી આપવા તૈયાર થયા છે. પરંતુ 25 ટકા ફી ઘટાડો વાલી મહામંડળે નામંજૂર કર્યો હોય આજે 4 વાગે ગાંધીનગર ખાતે વાલી મહામંડળ અને રાજ્ય સરકાર વચ્ચે ખાસ બેઠક યોજવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News