12મી માર્ચે વડાપ્રધાન મોદીની ગાંધી આશ્રમની મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ, અભયઘાટ ખાતે સભા ડોમ ઉભો કરાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 15:12:52
  • Views : 241
  • Modified Date : 2021-03-09 15:12:52

    આગામી 12મી માર્ચે દાંડી કૂચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાતે આવી રહ્યા છે. ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત પણ કરવાના છે. જેની તૈયારીઓ ગાંધી આશ્રમમાં શરૂ કરી દેવામાં આવી છે. આશ્રમની સાફ સફાઈ, દાંડીબ્રિજ ખાતે પણ સાફ સફાઈ કરીને તેને શણગારવાની કામગીરી કરવામાં આવી રહી છે. સુભાષબ્રિજ અભયઘાટ ખાતે ડોમ ઉભો કરવામાં આવી રહ્યો છે જ્યાં વડાપ્રધાનની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષાને લઈ SPG અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

    ગાંધી આશ્રમમાં વડાપ્રધાનની મુલાકાતને લઈ ગુજરાત ટુરિઝમના અધિકારીઓ, ADM, સાંસ્કૃતિક વિભાગ અને અન્ય અધિકારીઓની ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓ સાથે આજે સવારે મીટીંગ યોજાઈ હતી. ગાંધી આશ્રમમાં ડેવલોપમેન્ટનું કામ થવાનું છે. જેમાં ગાંધી સ્મારક છે તેને એવું જ રખાશે પરંતુ સુભાષબ્રિજ અભય ઘાટથી દાંડીપુલ સુધીના વિસ્તારને ડેવલપ કરવામાં આવશે.આ વિસ્તારને ડેવલપ કરીને અત્યારે જેટલા ટુરિસ્ટ અને મુલાકાતીઓ આવી રહ્યાં છે તેના કરતાં વધુ લોકો આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગાંધીઆશ્રમની સામેની જગ્યાને પણ ડેવલોપ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

    12મી માર્ચના રોજ યોજાનારી દાંડીકૂચ અને ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રના નેતાઓ પણ હાજર રહેવાના છે. જેથી સુરક્ષા વ્યવસ્થાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મીટીંગ કરવામાં આવી હતી. દાંડીબ્રિજ નીચે આવેલા ગટરના ગંદા પાણીને દૂર કરવામાં આવી રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર અને નદીમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે.

    નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ કેવડિયાના પ્રવાસે આવ્યા હતા. જ્યાં તેઓએ ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં હાજરી આપી હતી. કૉન્ફરન્સ પૂર્ણ કરીને તેઓ અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર દાંડી યાત્રા પર ચર્ચા કરી હતી. ત્યારબાદ ત્યાંથી દિલ્હી રવાના થયા હતા. દેશની સુરક્ષાને લઇને મોદી સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ત્યાર બાદ કૉન્ફરન્સને સંબોધન કર્યું હતું. એવામાં માર્ચ મહિનામાં આ તેમની બીજી ગુજરાત મુલાકાત હશે.


Download Our B K News Today App



Related News