ગુજરાતને દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધારવું છે ઃ રાજ્યપાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 11:22:46
  • Views : 275
  • Modified Date : 2021-03-15 11:22:46

બનાસકાંઠા જિલ્લાના ભાભર મુકામે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે જલારામ ગૌ શાળાની  મુલાકાત લઇ હરીધામ ગૌ શાળા ખાતે બિમાર ગાયોની સારવાર માટે તૈયાર થનાર નવીન ગૌ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યુ હતું. આ પ્રસંગે ગૌ શાળાના નિભાવ માટે દાન આપનાર દાતાઓને અભિનંદન પાઠવતાં રાજ્યપાલે જણાવ્યું કે, ગૌ સેવાનું પવિત્ર મહાન કાર્ય કરનાર તમામ સજ્જનોને શુભેચ્છા પાઠવું છું. તેમણે કહ્યું કે, ગુજરાતને દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધારવું છે. હાલમાં રાજ્યમાં સવા લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના ખેડૂતો રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ બંધ કરી સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે રાજય સરકાર દ્વારા દેશી ગાય રાખવા માટે ખેડૂતને દર મહિને રૂ. ૯૦૦ ની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે વધુ ૨ લાખ અરજીઓ આવી છે તેમને દેશી ગાય માટે દર મહિને રૂ. ૯૦૦ સહાય આપવામાં આવશે.
ભાભર ગૌ શાળામાં દર વર્ષે રૂ.૨૫ લાખનું આજીવન માતદાર દાન આપવાની ઘોષણા કરનાર ઉધોગપતિ  જયેશભાઇ પટેલ અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ ગૌ શાળાઓમાં રૂ. ૭૫ લાખનું માતબર દાન આપવાની જાહેરાત કરનાર સમસ્ત મહાજન સમાજ મુંબઇના પ્રમુખ  ગિરીશભાઇ શાહના કાર્યને બિરદાવી રાજ્યપાલે અભિનંદન પાઠવી આ ઇશ્વરીય કાર્યમાં જાેડાવા બધાને આહવાન કર્યું હતું. રાજ્યપાલે કચ્છના ખેડૂત હરીશભાઇ ઠક્કરે પોતાની ૭૦૦ એકર જમીનમાં રાસાયણિક ખેતીને આપેલી તિલાંજલિ અને પ્રાકૃતિક ખેતી અપનાવવાની વાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, સમયની સાથે ખેડૂતોએ ખેતીમાં બદલાવ લાવવો પડશે તો જ આપણે આવનારી પેઢીને સ્વચ્છ હવા,
પાણી અને ફળદ્રુપ જમીન
આપી શકીશું. ભાભર જલારામ ગૌ શાળાના ટ્રસ્ટી લીલાધરભાઇ ઠક્કરે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે આ ગૌશાળાની ૪ જેટલી શાખાઓમાં ૧૦ હજારથી વધુ માંદી, લુલી, લંગડી, અકસ્માત થયેલ હોય અને બીજા અન્ય રોગથી પિડાતી હોય તેવી ગાયોની સારવાર અને સંભાળ રાખવામાં આવે છે અને છેલ્લા ૨૫ વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. બિમાર કે અકસ્માતનો ભોગ બનેલી ગાયોને ૧૯ જેટલી એમ્બ્યુલન્સ મારફત જુદા જુદા સ્થળોથી અહીં લાવી તેમની સારવાર કરવામાં આવે છે એના માટે ૩૫૦ જેટલાં માણસોનો સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે.
આ પ્રસંગે રાજ્યપાલના વરદહસ્તે દાતાઓનું ગૌ માતાની પ્રતિકૃતિથી સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્ત મહાજન સમાજ મુંબઇના પ્રમુખ  ગિરીશભાઇ શાહ અને અખિલ લોહાણા પરિષદના પ્રમુખ સતિષભાઇ વિઠલાણીએ પ્રાસંગીક પ્રવચન કરી ગૌ સેવાના કાર્યને બિરદાવ્યું હતું.  આ કાર્યક્રમમાં લેડી ગવર્નર દર્શનાદેવી, દાતા  દિલીપભાઇ મહેશ્વરી,  જયેશભાઇ પટેલ,  કાનજીભાઇ તન્ના, કલેકટર આનંદ પટેલ, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ સહિત અધિકારીઓ, ટ્રસ્ટીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

Download Our B K News Today App



Related News