માત્ર 25 ઓક્સિજન લેવલ ધરાવતા યુવાનને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં નવું જીવન મળ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-13 17:32:14
  • Views : 393
  • Modified Date : 2021-05-13 17:32:14

    પાટણ જિલ્લાના છેવાડાના નાનાપુરા ગામના 27 વર્ષના યુવાન પ્રહલાદભાઈ ઠાકોરને કોરોના થયા બાદ રોજ શરીરમાં ઓક્સિજનનું સ્તર એકદમ ઘટીને 25 થઈ ગયું હતું. જેનાથી ડરી ગયેલા પરિવારજનોએ અનેક ખાનગી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. પણ કોઈ નક્કર પરિણામ ન મળતા આખરે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડો. અરવિંદ ચૌધરી અને એમની ટીમ દ્વારા દર્દીની સ્થિતિની ગંભીરતાને જાણીને તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી. અને માત્ર 25 ઓક્સિજન લેવલ ધરાવતા યુવાનને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં નવું જીવન મળ્યું છે.

    કોરોના મહામારીના કપરા સમયમાં ઘણા દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટી જવાની સમસ્યા થાય છે. દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જાય ત્યારે તેને સમયસર સારવાર આપવી ખૂબ જ જરૂરી બની જાય છે. ડોકટર દ્વારા સતત તેમના સ્વાસ્થ્યનું મોનીટરીંગ કરીને શરીરમાં ઓક્સિજનનું સ્તર સામાન્ય કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે.પ્રહલાદભાઈનું ઓક્સિજન લેવલ ઊચું લાવવા માટે એમને એનઆરબીએમ માસ્ક પર લઈને સારવાર શરૂ કરવામાં આવી. જ્યાં તેમને દરરોજ જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન અને ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. પરિણામે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરી અને ઓક્સિજન લેવલ સામાન્ય થયું હતુ. દર્દીના ફેફસાંની નળીઓ ખુલે અને મજબૂત બને એ માટે સ્પાયરોમેટ્રી થેરાપી કરવામાં આવી હતી.ડૉ. અરવિંદ ચૌધરી જણાવે છે કે કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં એમનું મનોબળ મજબૂત રહે એ ખૂબ જરૂરી છે. તેઓ સકારાત્મક બની રહે એ માટે અમે પૂરતા પ્રયાસો કરી તેમને હિંમત આપીએ છીએ. તથા રેફરલ હોસ્પિટલ રાધનપુર ખાતે કરવામાં આવેલ સારવાર સંદર્ભે પ્રહલાદભાઈના પિતા અમૃતભાઈ ઠાકોર જણાવે છે કે અહીંના ડોકટર અને સ્ટાફે મારા પુત્રને જીવન બક્ષવા માટે ખૂબ મહેનત કરી છે.

    તેમના પ્રયાસોથી મારો પુત્ર આજે અમારા પરિવાર સાથે છે. આવા દેવદૂત સમાન ડોકટરોનો અમે આભાર માનીએ છીએ. કોરોનાની ભીષણ બીમારીના સમયમાં સરકારી હોસ્પિટલના ડોકટર અને સ્ટાફ પોતાની આવડત અને સૂઝ–બૂઝ થી છેવાડાના માનવીઓએ નવું જીવન આપીને એમના ચહેરા પર સ્મિત પરત લાવી રહ્યાં છે.



Download Our B K News Today App



Related News