અમદાવાદમાં લાયન્સ ડિસ્ટ્રીક્ટ 3232 દ્વારા પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોન્ચ કરાઈ, હોમ ક્વોરન્ટીન રહેલા ગંભીર દર્દીઓને અપાશે મશીન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-14 16:16:06
  • Views : 397
  • Modified Date : 2021-04-14 16:16:06

       અમદાવાદમાં કોરોનાથી સ્થિતિ ગંભીર બની છે. હોસ્પિટલમાં એડમિટ દર્દીઓ માટે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. એવામાં કોવિડ-19ના હોમ ક્વોરન્ટાઈન રહેલા દર્દીઓ માટે રાહતની ખબર છે. લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ નેટવર્કનો ભાગ રહેલા લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ અમદાવાદમાં પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોન્ચ કરી છે.કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલમાં ખાલી બેડ શોધવા તે પણ મોટો પડકાર બની ગયો છે. એવામાં ઘરમાં જ સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે આ ઉમદા પ્રોજેક્ટ ઘણો મદદરૂપ થશે. આ શરૂઆતના ભાગ રૂપે દર્દીને ઘરે સારવાર માટે 5 અને 10 લીટરના પોર્ટેબલ ઓક્સિજન મશીન આપવામાં આવશે.આ અનોખા પ્રોજેક્ટની શરૂઆત કરવાનો વિચાર લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232ના પૂર્વ ઈન્ટરનેશનલ ડાયરેક્ટર પ્રવિણ છાજેડનો છે. તેમના મુજબ, કોરોનાના વધતા કેસોની વચ્ચે ગંભીર બીમારી ધરાવતા દર્દીઓનો બેડ ન મળવા પર ઘરમાં જ પોર્ટેબલ ઓક્સિજન મશીન મળવાથી લાભ થશે.

     કોરોનાની મહામારી દરમિયાન પણ લાયન્સ ક્લબ દ્વારા ઘણા સેવાના કાર્યો કરવામાં આવ્યા હતા. જેમાંથી એક આ પોર્ટેબલ ઓક્સિજન મશીન પણ છે.રિપોર્ટ મુજબ, દર્દીઓ માટે 5 લીટરના પોર્ટેબલ ઓક્સિજન મશીનની કિંમત અંદાજે 36,500 હજાર રૂપિયા જેટલી થાય છે, જ્યારે 10 લીટરના ઓક્સિજન મશીનની કિંમત 76,500 હજાર રૂપિયા જેટલી થાય છે. હાલમાં ક્લબને અમદાવાદના સેન્ટર માટે આવા 50 મશીનો માટે દાનની રકમ મળી છે. ક્લબ આગામી સમયમાં મશીનની સંખ્યા વધારીને 1000 કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. આ ઓક્સિજનનું સંચાલન લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ આઈ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે.

     નોંધનીય છે કે કોરોનાની મહામારીના કારણે અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. સિવિલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલોની સાથે શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ બેડ માટે વલખા મારી રહ્યા છે. ક્યાંય બેડ ન મળતા સિવિલની બહાર દર્દીઓ લઈને આવેલી એમ્બ્યુલન્સની પણ લાઈનો જોવા મળતી હોય છે. એવામાં લાયન્સ ક્લબના આ પ્રોજેક્ટથી ચોક્કસ પણ બેડ ન મળવા પર ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓનો જીવ બચાવી શકાશે.

Download Our B K News Today App



Related News