પ્રદૂષણ માટે સૌથી ડેન્જરસ SO2 પેદા કરવામાં ભારતનું કચ્છ વિશ્વમાં મોખરે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-20 16:55:20
  • Views : 538
  • Modified Date : 2019-08-20 16:55:20

વાયુ પ્રદૂષણમાં ભયજનક વધારા માટે જવાબદાર સલ્ફર ડાયોક્સાઇડ (એસઓટૂ) પેદા કરવામાં ભારત વિશ્વમાં મોખરે હોવાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટીક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના ડેટાના આધારે પર્યાવરણ માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ગ્રીનપીસના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. સોમવારે જારી કરવામાં આવેલા રિપોર્ટ મુજબ વિશ્વમાં પેદા થતા કુલ એસઓટૂમાં ભારતનો હિસ્સો 15 ટકા કરતા વધારે છે. નાસાના ઓઝોન મોનીટરીંગ ઇન્સ્ટ્રુમેન્ટ (ઓએમઆઇ) સેટેલાઇટ દ્વારા પ્રાપ્ત ડેટામાં આ ઘટસ્ફોટ થયો છે.

રશિયામાં આવેલા નોરીલ્સ્ક સ્મેલ્ટર કૉમ્પ્લેક્સ વિશ્વમાં સૌથી વધુ એસઓટૂ ઉત્સર્જન 
અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ એસઓટૂ પેદા કરતા સ્થળોમાં કચ્છ પણ સામેલ છે. દેશના અન્ય સ્થળોમાં મધ્ય પ્રદેશના સિંગ્રોલી, તામિલનાડુના નેવેલી અને ચેન્નાઈ, ઓડિશાના તાલચાર અને ઝારસુગુડા અને છત્તીસગઢના કોરબાનો સમાવેશ થાય છે. અહેવાલમાં જણાવાયું છે કે આ સ્થળોએ આવેલા વિવિધ પ્લાન્ટમાં વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરતી ડિસલ્ફરાઇઝેશન ટેકનોલોજીનો અભાવ છે. નાસાના ડેટા મુજબ રશિયામાં આવેલા નોરીલ્સ્ક સ્મેલ્ટર કૉમ્પ્લેક્સ વિશ્વમાં સૌથી વધુ એસઓટૂ ઉત્સર્જન કરતી જગ્યા છે. પર્યાવરણના નિષ્ણાંતોએ કોલસા આધારિત વીજ મથકો પર નિયંત્રણ મૂકવા જણાવ્યું છે.

નિયમોની ગંભીર અવગણના 
ડિસેમ્બર 2015માં કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે પહેલીવાર કોલસા આધારિત વીજ મથકો માટે એસઓટૂ ઉત્સર્જનની મર્યાદા નિર્ધારીત કરી હતી. આ મર્યાદાના પાલન માટે રેટ્રોફીટ ટેકનોલોજી અપનાવવી પડે છે. નિયમોને લાગૂ કરવા માટે ડિસેમ્બર 2017ની મુદ્દત નક્કી કરાઈ હતી. બાદમાં આ મુદ્દત લંબાવીને ડિસેમ્બર 2019 નિર્ધારીત થઈ. વીજ મથકોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને આ મુદ્દત વર્ષ 2022 સુધી કરાવી હતી.

કચ્છ કેમ એસઓટૂ ઉત્સર્જનમાં સામેલ?
ગ્રીનપીસના અહેવાલ મુજબ ભારતમાં એસઓટૂ ઉત્સર્જન કરતી સાઇટમાં કચ્છમાં આવેલો કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર પ્લાન્ટ સામેલ છે. રિપોર્ટ મુજબ કોલસા આધારિત આ પાવર પ્લાન્ટ પ્રતિ વર્ષ 228 kr એસઓટૂ ઉત્સર્જન કરે છે. જ્યારે મધ્ય પ્રદેશના સિંગ્રોલીમાં આવેલો વિંધ્યાચલ સુપર થર્મલ પાવર સ્ટેશન પ્રતિ વર્ષ 507 kr એસઓટૂ ઉત્સર્જન કરે છે.

એસઓટૂ શું છે? 
સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે એસઓટૂ માનવ આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે. તેને જોઈ શકાતો નથી. પણ તેની વાસ અત્યંત તીવ્ર હોય છે. વિશ્વમાં એસિડ વરસાદ માટે પણ એસઓટૂનું વધારે પ્રમાણ જવાબદાર છે.

Download Our B K News Today App



Related News