આતંકને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતાથી સ્થિતિ વણસી શકે: અમેરિકન રિપોર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-02 16:26:48
  • Views : 485
  • Modified Date : 2023-03-02 16:26:48

નાદાર થઇ રહેલા પાકિસ્તાનના લોકો પર મોંઘવારીની સાથેસાથે ત્રાસવાદનો બેવડો માર પડી રહ્યો છે. અમેરિકાના બ્યૂરો ઓફ કાઉન્ટર ટેરેરિઝમના અહેવાલમાં દાવો કરાયો છે કે ત્રાસવાદને લઇને પાકિસ્તાનનું વલણ કઠોર હોવાના બદલે અસ્પષ્ટ થઇ રહ્યું છે. આતંકની સામે તેનું વલણ હળવું રહ્યું છે. પાકિસ્તાને નામપૂરતા દેખાવા માટે આતંકીઓની સામે ધીમી ગતિથી કાર્યવાહી કરી છે. તેના તરફથી ચલાવાઇ રહેલા અભિયાનની ગતિ સંતોષજનક નથી. આના કારણે વર્ષ 2020ની સરખામણીમાં 2021માં સામૂહિક હત્યાઓ અને આતંકી ઘટનાઓમાં વધારો થયો છે.

રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં આજે હક્કાની નેટવર્ક, લશ્કર-એ તૈયબા અને જૈશ-એ- મોહમ્મદ, તહરિકે -એ- તાલિબાન પાકિસ્તાન, બલુચિસ્તાન લિબરેશન આર્મી, અને આઇએસઆઇએસ જેવાં ખતરનાક સંગઠન પાકિસ્તાનમાં નેટવર્ક ધરાવે છે. રિપોર્ટ મુજબ આ આતંકી સંગઠનો સતત પાકિસ્તાનના લોકોને જ ટાર્ગેટ બનાવીને તેમની સામૂહિક હત્યાઓ કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં જૈશના સંસ્થાપક મસૂદ અઝહર સામે દેખાવા પૂરતાં પગલાં લીધાં છે.

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી ઓક્ટોબરમાં થવાની શક્યતા છે. દેશમાં જે રીતે રાજકીય અનિશ્ચિતતા છે, તે જોતાં આર્થિક સંકટ વધુ ઘેરું બની શકે છે. આ આશંકા એશિયા ઇલેક્શન આઉટલુક 2023માં વ્યક્ત કરાઇ છે. પાકિસ્તાન લોનની રકમ ચૂકવવામાં પણ નિષ્ફળ છે. દિન-પ્રતિદિન ખરાબ થઇ રહેલી આર્થિક હાલતના કારણે વહેલા ચૂંટણી યોજાઇ શકે છે. ગંભીર આર્થિક સ્થિતિ અને વહેલીતકે ચૂંટણી થવાની સ્થિતિમાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક -એ-ઇન્સાફ સત્તામાં પરત ફરી શકે છે. ઇમરાનની પાર્ટી પહેલાં પણ કેટલાંક લલચામણાં વચનોના કારણે સત્તામાં આવી હતી. જો આવું થશે તો ઇમરાન ખાન અને પાક. સેના વચ્ચે જોરદાર ખેંચતાણ થઇ શકે છે. આનાથી સંઘર્ષ અને હિંસામાં વધારો થશે. પાકિસ્તાનમાં આર્થિક સંકટ વધશે.

દક્ષિણ એશિયામાં ભારતના જે પાડોશી દેશો છે જે પૈકી ત્રાસવાદને પ્રોત્સાહન આપવામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જ છે. દુનિયામાં આતંકીઓને મદદ કરનાર દેશોમાં કોલમ્બિયા, યમન, લેબેનોન, લિબિયા, ઇરાક, ફિલિપાઇન્સ, સુદાન અને ક્યુબાનો સમાવેશ થાય છે.

પાક.ને 2018માં 1998ના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ હેઠળ ખાસ ચિંતાજનક દેશ તરીકે જાહેર કરાયા બાદ તેની ચર્ચા રહી હતી. 2019, 2020 અને 2021માં સીપીસીનાં નવાં સ્વરૂપો અપાયાં હતાં. આતંકી ફન્ડિંગ પર નજર રાખવા માટે અને કાર્યવાહી કરનાર એફએટીએફના ગ્રે લિસ્ટમાં પાકને 2018માં રાખીને પગલાં લેવાયાં હતાં.

​​​​​​​અમેરિકાની કન્ટ્રી રિપોર્ટસ ઓન ટેરેરિઝમમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે આતંક પર અંકુશ મૂકવા માટે કઠોર કાર્યવાહી કરી છે. 2021માં આતંકવાદના કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર, પૂર્વોતર રાજ્યો અને મધ્ય ભારતના કેટલાક હિસ્સાને પ્રતિકુળ અસર થઇ હતી. ભારતે આતંકની સામે પગલાં લીધાં હતાં. ઓસ્ટ્રેલિયા અને જાપાનની સાથે બીજા ક્વાડ કાઉન્ટર ટેરેરિઝમ ટેબલટોપ અભ્યાસની યજમાની કરાઇ હતી. આંતકવાદની તપાસ સાથે સંબંધિત અમેરિકાના અનુરોધ પર ભારત તરત જવાબ આપે છે. આ ઉપરાંત ગેરકાયદે ગતિવિધિઓને રોકવા સાથે સંબંધિત અધિનિયમ (યુએપીએ) 1967માં 2019માં સુધારા કર્યા હતા.

Download Our B K News Today App



Related News