સંત સરોવરમાં સ્થાનિક માછીમારો બેફામ ઃ પોલિસ મૂક પ્રેક્ષક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-10 11:32:16
  • Views : 407
  • Modified Date : 2020-09-10 11:32:16

સંત સરોવરમાંથી છોડવામાં આવેલ પાણીના ધસમસતા પ્રવાહમાં બેફામ રીતે જીવના જોખમે ચાલતી માછલીઓ
પકડવાની પ્રવૃતિ સામે સંત સરોવરના સત્તાધીશો તેમજ નામ માત્ર મૂકવામાં આવેલ
પોલીસ બંદોબસ્ત આગામી દિવસોમાં કોઈ મોટી જાનહાનિની ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું બી.કે.ન્યુઝ દૈનિકના રિયાલિટી દરમ્યાન જોવા મળ્યું હતું.
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સંત સરોવરની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જેના ભાગરૂપે સંત સરોવરના ચાર દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. જેના કારણે સાવચેતીના ભાગરૂપે સહેલાણીઓ માટે સંત સરોવર પાસે જવાની સખત મનાઈ કરી પોલીસ બંદોબસ્ત ચુસ્ત રીતે ગોઠવી દેવામાં આવ્યો છે. અમારી ટીમ સંત સરોવર ખાતે રિયાલિટી ચેક કરવા માટે ગઈ ત્યારે ઈન્દ્રોડા ગામના પ્રવેશ દ્વારમાં એક બંધ ગલ્લા નીચે ત્રણ મહિલા પોલીસ તેમજ સામેની બાજુ બીજા એક ગલ્લા પાસે બે પોલીસ કર્મચારીઓ આરામથી બેસી રહ્યા હતા. એટલામાં નદીમાંથી રેતી ચોરી કરવા એક ટ્રેક્ટર વિના રોકટોક સંત સરોવર પાસેના રસ્તે જતું જોવા મળ્યું. જેથી તેનો પીછો કરતા સંત સરોવર નજીકના પટમાં રેતી ચોરીની પ્રવૃતિ તો ચાલતી જ હતી. જેની સાથોસાથ સંત સરોવરના દરવાજા પાસે ધસમસતા વહેણમાં માછીમારી કરતા સ્થાનિકોનું મોટું ટોળું પણ જોવા મળ્યું હતું. ત્યારે કૂતુહલવશ અમારી ટીમ સંત સરોવર તરફ આગળ વધી તો થોડેક દૂર જ દારૂની મહેફિલ માણવા કેટલાક ઈસમો બેસી ગયા હતા..!!
આથી અમારી ટીમ સંત સરોવરની ઓફિસ તરફ ગઈ તો ઊંચા ઢાળ પર બે મહિલા પોલીસ તેમજ એક સિક્યુરિટી ગાર્ડ બેઠા હતા. જેણે તુરંત અમોને અટકાવીને ઓળખ પત્રો બતાવવા કહ્યું જેથી અમે પણ અચંબામાં પડી ગયા. અમારી ટીમને જોઈ બે મહિલા પોલીસ કર્મચારી દેખાડવા ખાતર સિસોટી મારીને માછીમારોને ભગાડવાના નિરર્થક પ્રયાસો કરવા લાગેલ. ત્યારે ત્યાં હાજર પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડને સંત સરોવરમાં કોઈ જાનહાનિ થાય તેનું જવાબદાર કોણ તેવું પૂછતાં જ તેણે આ આ કામ તો બંદોબસ્તમાં આવેલ બે મહિલા કર્મચારીઓ તરફ ઈશારો કરી પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હતા.
હકીકતમાં બંદોબસ્તમાં બેઠેલ બે મહિલા પોલીસ તેમજ સંત સરોવરનો ગાર્ડ ઢાળ પર ઝાડ નીચે બેસીને રેતી ચોરી, માછીમારી, દારૂની મહેફિલની પ્રવૃત્તિઓ નિહાળી રહ્યા હતા. આંખ આડા કાન કરીને પોતાની આઠ કલાકની નોકરી પૂરી કરવામાં વધુ રસ રાખતા હોવાનું સ્પષ્ટ ચિત્ર ઉપસી આવ્યું હતું. એટલામાં જ સંત સરોવર ઓફિસમાંથી બોર ઓપરેટર દોડી આવેલો જેણે પણ અમારું ઓળખપત્ર માંગીને રૂઆબ બતાવવાની કોશિશ કરી હતી. તેણે પણ સંત સરોવર તરફ આવવાની મનાઈ હોવાનું જણાવી ઈન્ફોસિટી અને ડભોડા પોલીસની જવાબદારી હોવાનું જણાવી કાંઈ નહી લખવા રજૂઆત કરી હતી. અને અહી તો રાત્રે પણ માછીમારીની પ્રવૃતિ ધમધમતિ હોવાનો એકરાર કર્યો હતો.

Download Our B K News Today App



Related News