પાટણ જિલ્લામાં અયોધ્યા કેસના ચુકાદાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-10 14:36:37
  • Views : 457
  • Modified Date : 2019-11-10 14:36:37


દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં છેલ્લાં ઘણા વર્ષોથી અયોધ્યામાં આવેલી વિવાદિત જમીનના ચાલી રહેલા કેસનો શનિવારના રોજ ચુકાદો આવવાનો હોય આ ચુકાદા બાદ પાટણ જીલ્લાની અંદર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદની વિવાદિત જમીન અંગે છેલ્લાં ઘણા વર્ષોથી ચાલી રહેલા કેસનો ફેંસલો આજે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવનાર હોય કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કર્યા બાદ કોઈ અનિચ્છનીય ઘટનાના ઘટે અને સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજયમાં પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે પાટણ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ ના માર્ગદર્શન નીચે પાટણ જિલ્લાના તમામ શહેરી વિસ્તારો અને તાલુકા મથકો ઉપર તેમજ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસની સાથે સાથે એસઆરપી હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનોને પણ સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં આવ્યા હતા.પાટણ શહેરમાં પણ શનિવારે સવારથી પાટણ શહેરના બગવાડા દરવાજા, પિંજારકોટ, બુકડી  ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અને શહેરમાં અયોધ્યા કેસના ચુકાદા બાદ સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. જોકે પાટણ શહેરમાં અયોધ્યા કેસના ચુકાદા બાદ લોકો પોતાના રોજિંદા કામકાજમાં જોતરાયેલા જોવા મળ્યા હતા. તો કેટલાક લોકો સવારથી અયોધ્યા કેસના ચુકાદાના સમાચાર જોવા માટે  ટીવીની સામે ગોઠવાઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News