વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોરડોથી ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કર્યો, શીખ ખેડૂતો સાથે સંવાદ કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 15:12:50
  • Views : 318
  • Modified Date : 2020-12-15 15:12:50

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 ડિસેમ્બરે એક દિવસીય કચ્છ મુલાકાતે આવી પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્ક અને સરહદ ડેરીના અંજાર-ભચાઉ વચ્ચે બનનારા બે લાખ લિટર દૂધના ચિલિંગ પ્લાન્ટનો ડિજિટલ શિલાન્યાસ કર્યો હતો.ભુજ એરફોર્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, એર કોમોડોર મલુક સિંઘ (વી.એસ.એમ.) ડી.જી.પી. આશિષ ભાટિયા સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. ભુજ એરફોર્સ ખાતે આવીને ત્યાંથી હેલિકોપ્ટરમાં ધોરડો પહોંચ્યા હતા. ભુજ એરફોર્સથી ધોરડો હેલિપેડ ખાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનાએ સ્વાગત કર્યું હતું. જ્યારે વડાપ્રધાનની સુરક્ષા માટે એસપીજી કાફલો ખડેપગે છે. મોદીના આગમનને પૂર્વે સભાસ્થળે ડોગ-સ્કવોડ દ્વારા સઘન ચેકિંગ કરાયું હતું, જ્યારે દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન વચ્ચે લખપત નરા ખાતે વસતા શીખ ખેડૂતો વડાપ્રધાનને મળવા ધોરડો સભાસ્થળે પહોંચ્યા હતા. જ્યારે ધોરડો જતાં માર્ગો પર પોલીસ દ્વારા આવતાં તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

    વડાપ્રધાન આજે 15 ડિસેમ્બરે દિલ્હીથી કચ્છ ખાતે ભુજ એરપોર્ટ પહોચીને ત્યાંથી હેલિકોપ્ટર મારફત ધોરડો પહોંચ્યા હતા. વડાપ્રધાન અગાઉ 14 ડિસેમ્બરના રોજ આવવાના હતા અને રાત્રિરોકાણ ધોરડો ખાતે કરવાના હતા, પરંતુ તેમના કચ્છ પ્રવાસમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાતાં તેઓ હવે માત્ર પાંચ કલાક જ કચ્છમાં રોકાણ કરશે. ધોરડોના સફેદ રણનો સૂર્યાસ્તનો નજરો નિહાળ્યા બાદ સાંજે 7:30 વાગે દિલ્હી જવા રવાના થશે.

પીએમ મોદી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે, જ્યાં ટેન્ટસિટીમાં ઊભા કરાયેલા ડોમમાંથી ગુંદિયાળીમાં આકાર લેનારા ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્ક, સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઊભા કરાનારા બે લાખ લિટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું બપોરે વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. આ ઉપરાંત કચ્છના પ્રગતીશીલ ખેડૂતો અને સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી તેમજ અધિકારીઓ સાથે સમીક્ષા કરશે.પીએમની આગતા-સ્વાગતા માટે તંબુનગરી સજ્જ કરી દેવાઇ હતી. કોઇપણ કચાશ ન રહે એ માટે એને આખરી ટચ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન સંભવત: બપોરનું ભોજન અહીં લે તો તેમને પીરસવાનાં વ્યંજનોની સામગ્રી સહિતની તૈયારી આટોપી દેવાઇ હોવાનું લલ્લુજી એન્ડ સન્સના ફાઇનાન્સ મેનેજર ભાવિકભાઇએ જણાવ્યું હતું.

    વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે કચ્છે વિકાસની હરણફાળ ભરી છે. ખાસ કરીને કૃષિક્ષેત્રે આ જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે. 15 ડિસેમ્બરે હું વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરીશ જેનાથી કચ્છને જે-તે પ્રકલ્પો સંપન્ન થતાં અનેક લાભો મળશે.વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન આવકાર, કોણ-કોણ પ્રવચન આપશે, આભારદર્શન સહિતના પાસાને લઇને સ્ટેજ પર રિહર્સલ કરાયું હતું, જેને કલેક્ટર પ્રવીણા ડીકે દ્વારા નિહાળવામા આવ્યું હતું અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. ડોમ સિવાય અન્ય સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં મોડી સાંજ સુધી કલાકારો આખરી ઓપ આપતા જોવા મળ્યા હતા. તો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (ગેટકો) અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓને અવિરત વીજ પુરવઠા માટે તહેનાત કરી દેવાયા હતા. આ ઉપરાંત પોલીસનો કડક જાપતો પણ જોવા મળ્યો હતો.





Download Our B K News Today App



Related News