ખેડૂત આંદોલન વચ્ચે લખપતના શીખ ખેડૂતો ધોરડો નરેન્દ્ર મોદીના સભાસ્થળે પહોંચ્યા, તમામ રોડ પર વાહનોનું સઘન ચેકિંગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 12:58:28
  • Views : 441
  • Modified Date : 2020-12-15 12:58:28

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 ડિસેમ્બરે એક દિવસીય કચ્છ મુલાકાતે છે. મોદીના આગમનને પૂર્વે સભાસ્થળે ડોગ સ્કવોડ દ્વારા સઘન ચેકિંગ કરાયું હતું. જ્યારે દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન વચ્ચે લખપત નરા ખાતે વસતાં શીખ ખેડૂતો વડાપ્રધાનને મળવા ધોરડો સભાસ્થળે પહોંચ્યા હતા. જ્યારે ધોરડો જતાં માર્ગો પર પોલીસ દ્વારા આવતાં તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.વડાપ્રધાન આજે 15 ડિસેમ્બરે દિલ્હીથી કચ્છ આવવા રવાના થયા છે. બપોરે 1:30 વાગ્યા આસપાસ તેઓ ક્ચ્છના ભૂજ એરપોર્ટ પહોચશે. ત્યાંથી હેલિકોપ્ટર મારફતે ધોરડો પહોચશે. વડાપ્રધાન અગાઉ 14 ડિસેમ્બરના રોજ આવવાના હતા અને રાત્રિરોકાણ ધોરડો ખાતે કરવાના હતા. પરંતુ તેમના કચ્છ પ્રવાસમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાતાં તેઓ હવે માત્ર પાંચ કલાક જ કચ્છમાં રોકાણ કરશે. ધોરડોના સફેદ રણનો સૂર્યાસ્તનો નજરો નિહાળ્યા બાદ સાંજે 7:30 વાગે દિલ્હી જવા રવાના થશે.


    પીએમ મોદી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે, જ્યાં ટેન્ટસિટીમાં ઊભા કરાયેલા ડોમમાંથી ગુંદિયાળીમાં આકાર લેનારા ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્ક, સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઊભા કરાનારા બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું બપોરે બે કલાકે વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. આ ઉપરાંત કચ્છના પ્રગતીશીલ ખેડૂતો અને સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી તેમજ અધિકારીઓ સાથે સમીક્ષા કરશે.પીએમની આગતા-સ્વાગતા માટે તંબુ નગરી સજ્જ કરી દેવાઇ હતી. કોઇ પણ કચાશ ન રહી જાય તેનો આખરી ટચ આપવામાં આવ્યો હતો. વડા પ્રધાન સંભવત: બપોરનું ભોજન અહીં લે તો તેમને પીરસાવાના વ્યંજનોની સામગ્રી સહિતની તૈયારી આટોપી દેવાઇ હોવાનું લલ્લુજી એન્ડ સન્સના ફાઇનાન્સ મેનેજર ભાવિકભાઇએ જણાવ્યું હતું.

    વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, કચ્છે વિકાસની હરણફાળ ભરી છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે આ જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે. 15 ડિસેમ્બરે હું વિવિધ વિકાસ કામોનું ખાત મુહૂર્ત કરીશ જેનાથી કચ્છને જે તે પ્રકલ્પો સંપન્ન થતાં અનેક લાભો મળશે.વડા પ્રધાનના કાર્યક્રમ દરમિયાન આવકાર, કોણ-કોણ પ્રવચન આપશે, આભાર દર્શન સહિતના પાસાને લઇને સ્ટેજ પર રિહર્સલ કરાયું હતું જેને કલેક્ટર પ્રવીણા ડીકે દ્વારા નિહાળવામા આવ્યું હતું અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. ડોમ સિવાય અન્ય સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં મોડી સાંજ સુધી કલાકારો આખરી ઓપ આપતા જોવા મળ્યા હતા. તો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (ગેટકો) અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓને અવિરત વીજ પુરવઠા માટે તૈનાત કરી દેવાયા હતા. આ ઉપરાંત પોલીસનો કડક જાપ્તો પણ જોવા મળ્યો હતો.



Download Our B K News Today App



Related News