PM મોદીએ કહ્યું- સરકાર અને ન્યાયપાલિકા મળીને દેશમાં વર્લ્ડ ક્લાસ જ્યૂડિશિયરી સિસ્ટમ તૈયાર કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-06 12:40:49
  • Views : 212
  • Modified Date : 2021-02-06 12:40:49

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાત હાઈકોર્ટની ડાયમંડ જુબલી સમારોહમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા. આ દરમિયાન તેમણે એક સ્મારક પોસ્ટ ટિકિટ ઓનલાઈન જાહેર કરી. વડાપ્રધાને આ દરમિયાન કહ્યું કે, ન્યાયપાલિકાએ હંમેશાથી દેશવાસીઓના અધિકારો અને અંગત સ્વતંત્રતાની રક્ષા કરી છે. અને તેને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. સરકાર અને ન્યાયપાલિકા મળીને દેશમાં વર્લ્ડ ક્લાસ જ્યૂડિશિયરી સિસ્ટમ તૈયાર કરશે, જેમાં દરેક વ્યક્તિ માટે માત્ર ન્યાયની ગેરંટી નહીં હોય, પણ સમયસર ન્યાય પણ મળશે.

    ગુજરાત હાઈકોર્ટના આજે 61 વર્ષ પુરાં થઈ રહ્યાં છે. હાઈકોર્ટમાં અત્યાર સુધીમાં કુલ 24 ચીફ જસ્ટીસ કામગીરી કરી ચૂક્યાં છે. જ્યારે હાલમાં ચીફ જસ્ટીસ વિક્રમ નાથ હાલમાં કાર્યરત છે. જ્યારે હાઈકોર્ટની સ્થાપના થઈ ત્યારે 1 મે 1960ના રોજ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ પ્રથમ ચીફ જસ્ટીસ બન્યાં હતાં. તેમનો કાર્યકાળ 25 જાન્યુઆરી 1961 સુધીનો હતો. તે ઉપરાંત જસ્ટીસ અકિલ કુરેશી અને જસ્ટીસ અનંત કુમાર દવે હાઈકોર્ટમાં એક્ટિંગ ચીફ જસ્ટીસ તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં હાઈકોર્ટમાં 30 જસ્ટીસ કાર્યરત છે.

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ડિઝીટલ સિસ્ટમ આપણને ઘણી ઝડપથી આધુનિક બનાવી રહી છે. ઈ-પ્રોસીડિંગ્સમાં વધારો થયો છે.સુપ્રીમ કોર્ટ દુનિયામાં સૌથી વધુ સુનાવણી કરતી કોર્ટ બની ગઈ છે. આજે આપણી કોર્ટમાં એક યૂનીક આઈડેન્ટિફીકેશન નંબર અને QR નંબર પણ આપવામાં આવી રહ્યો છે.જેનાથી નેશનલ ડેટા ગ્રિડ બની રહ્યો છે. આ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ પણ વધ્યો છે. આવનારા દિવસોમાં ભારતમાં ઈઝ ઓફ જસ્ટિસ વધે, તેના માટે સુપ્રીમ કોર્ટની કમિટિ કામ કરી રહી છે.

    વડાપ્રધાન મોદીએ કહ્યું, આપણા બંધારણમાં ન્યાયની જે ધારણાં કરવામાં આવે છે તે ન્યાય દરેક ભારતીયનો અધિકાર છે. તેથી સરકાર અને ન્યાયપાલિકા બંનેની ફરજ છે કે, આપણે દુનિયાના સર્વોત્તમ ન્યાય વ્યવસ્થાને જાળવી રાખીએ. તેમણે કહ્યું કે, આપણી ન્યાય વ્યવસ્થા એવી હોવી જોઈએ જ્યાં દરેક વ્યક્તિને ન્યાય મળવાની ગેરંટી હોય અને છેવાડાના પણ દરેક વ્યક્તિને ન્યાય મળી શકે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણી ન્યાયપાલિકાએ મુશ્કેલ સમયમાં બંધારણીય મુલ્યોની રક્ષા કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, રુલ ઓફ લો આપણાં સંસ્કારનો અધિકાર છે. તેમણે કહ્યું કે, આપણી ન્યાયપાલિકાએ બંધારણની રક્ષાના દાયિત્વને દ્રઢતાથી નીભાવ્યું છે. ન્યાયપાલિકાએ બંધારણની રચનાત્મક અને સકારાત્મક વ્યાખ્યા કરીને જાતે બંધારણને મજબૂત કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે, ભલે પછી તે અંગત સ્વતંત્રતા હોય, દેશવાસીઓના અધિકારની વાત હોય તો ન્યાયપાલિકાએ તેને સમજી છે અને નીભાવી છે.

    વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, કોરોના કાળમાં પણ ન્યાયપાલિકાએ સમર્પણ દાખવ્યું છે અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી ચાલુ રાખી છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતમાં ઈઝ ઓફ જસ્ટિસ અને જીવન સ્તરના સુધારા છે અને ઈઝ ઓફ જસ્ટિસ સુધરવાથી પોતાના દેશમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. કોઈ પણ સમાજમાં નીતિ અને નિયમોની સાર્થકતા ન્યાયથી જ થાય છે.નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. જ્યારે મુંબઈથી રાજ્ય અલગ થઈને ગુજરાતની સ્થાપના થઈ હતી. સૌ પહેલાં ગુજરાત હાઈકોર્ટની સ્થાપના નારોલમાં કરવામાં આવી હતી. ત્યારપછી અમદાવાદના ઈન્કમટેક્સ વિસ્તારમાં હાઈકોર્ટ શિફ્ટ કરવામાં આવી હતી. હવે વર્ષ 1998થી ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના સોલા કેમ્પસમાં ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News