‘પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આશીર્વાદરૂપ અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલ વાન નો શુભારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 11:12:19
  • Views : 333
  • Modified Date : 2020-08-08 11:12:19

કોવિડ-૧૯ ની મહામારીમાં પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખૂબજ આશીર્વાદરૂપ બની છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં પ્લાઝમા એકત્ર કરવાના હેતુથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઑફ ઈમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT)દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલ વાન’ નો શુભારંભ સિવિલ હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી ડાૅ. એમ.એમ. પ્રભાકરના હસ્તે કરવામાં આવ્યો છે. રક્તદાતાને તમામ પ્રકારની માહિતી આપી અને મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ જ એફેરેસિસ મશીનમાં લોહીના ઘટકો અલગ પાડીને ૫૦૦ મીલી પ્લાઝમા એકત્ર કરાવામાં આવે છે અને બાકીના રક્તદાતાના શરીરમાં પરત આપી દેવામાં આવે છે. કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેશન એકદમ સરળ અને સંપૂર્ણપણે સુરક્ષિત પ્રક્રિયા છે. જેમાં માત્ર લોહીનો એક જ ઘટક પ્લાઝમા લેવામાં આવે છે. પ્લાઝમા ડોનર એકવાર ડોનેટ કર્યા બાદ બીજા ૧૫ દિવસ પછી ફરી કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. દરેક દર્દીને ૨૦૦ મિલી લિટર કન્વેર્લિસેન્ટ પ્લાઝમાના બે ડોઝ ચડાવવામાં આવે છે. ૧૦૦ મીલી પ્લાઝમા સંશોધન પ્રક્રિયા માટે રાખવામાં આવે છે. પ્લાઝમા લેતી વખતે ડોનરનું એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલા દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. આ પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની એન્ટીબોડી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલમાં ડેડિકેટેડ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલ ખાતે દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક ૨૪ જૂનથી કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૬૭ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે જેમાં ૪૯ સિવિલ હોસ્પિટલના ડાૅક્ટર્સનો પણ સમાવેશ થાય છે. ૫ ડોક્ટર્સએ બે વાર રક્તદાન કર્યું છે. અત્યાર સુધીમાં ૫૨ દર્દીઓને પ્લાઝમા થેરાપી આપી છે.

Download Our B K News Today App



Related News