​​​​​​​કોરોનામાં જેની ડિમાંડ એનો ભાવ ડબલ, રેમડેસિવિર, બેડ અને ICU બાદ હવે ઓક્સિજન મશીનના ભાડામાં લૂંટ ચાલું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 15:40:21
  • Views : 303
  • Modified Date : 2021-04-15 15:40:21

    શહેરમાં હવે લોકો કોરોના વાઈરસથી વધારે તેનાથી બચવા માટે વપરાતા મશીનો તેમજ ઈન્જેક્શનની અછતના કારણે મરી રહ્યા છે. અમદાવાદમાં હાલમાં સિવિલ, એસવીપીથી લઈને તમામ ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ ના બરાબર છે. ત્યારે રેમડેસિવિર, બેડ અને ICUની અછત બાદ હવે નવી એક મુશ્કેલી ઉભી થઈ રહી છે. હાલમાં દર્દીઓને સૌથી વધુ ઓક્સિજનની જરૂર પડી રહી છે, ત્યારે હવે શહેરમાં ડિમાન્ડ વધતા તેના ભાવમાં પણ વધારો થઈ ગયો છે. ઓક્સિજનમાં વાપરવામાં આવતું મશીન કે જે પહેલા માત્ર 200 રૂપિયામાં ભાડે મળતું હતું તેની કિંમત અત્યારે 1200 રૂપિયાની આસપાસ થઈ ગઈ છે.

    સાથે જ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનના બાટલ માટે પણ ડબલ રૂપિયા ચુકવવા પડી રહ્યા છે. હાલમાં ઓક્સિજનની એક બોટલ 10 હજારની આપસાપમાં વેચાય છે. જેની સામાન્ય દિવસમાં 5 હજાર રૂપિયા કિંમત હતી એટલે કે જરૂરિયાત વધતા ભાવમાં પણ ડબલ વધારો કરી દેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં સામાન્ય વ્યક્તિ આટલો ખર્ચ કેવી રીતે કરી શકશે. જેના કારણે અનેક લોકોના રોજ મોત નિપજ્યાં છે.

    હાલમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનના બાટલાની અછત સર્જાઈ રહી છે. જેના કારણે હવે માર્કેટમાં એક બોટલના પણ ડબલથી વધારે રૂપિયા લેવામાં આવે છે. હાલમાં નવા સ્ટ્રેનમાં દર્દીઓને સૌથી વધુ ફેફસાં પર અસર થઈ રહી છે. જેને બચાવવા માટે ઓક્સિજનની વધારે જરૂર પડી રહી છે. કેટલાક લોકો તો ડબલ પૈસા મીની ઓક્સિજન ખરીદીને ઘરે જ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. કારણ કે હાલમાં ડબલ પૈસા આપે પણ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં એક બેડની જગ્યા મળવી પણ મુશ્કેલ બની રહી છે.

    ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ગઈકાલે પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 7 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. જ્યારે 2642 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ શહેર અને સુરત શહેરમાં 24-24, રાજકોટ શહેરમાં 7, વડોદરા શહેરમાં 6, સાબરકાંઠા અને રાજકોટ જિલ્લામાં 2-2, અમદાવાદ, અમરેલી, ડાંગ, ગાંધીનગર, જૂનાગઢ અને જૂનાગઢ શહેર, સુરત અને વડોદરા જિલ્લામાં 1-1 મળી કુલ 73 દર્દીઓના કોરોનાને કારણે મોત થયાં છે.​​​​​​​

    રાજ્યમાં છેલ્લા 75 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 67 હજાર 616ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4995 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 23 હજાર 371 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 39250 એક્ટિવ કેસ છે, જેમાંથી 254 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 38996 દર્દીની હાલત સ્થિર છે.


Download Our B K News Today App



Related News