નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 મેચની ટિકિટના ધાંધિયા, લોકોની ભીડ ભેગી થતાં પોલીસની દંડાવાળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 15:09:51
  • Views : 263
  • Modified Date : 2021-03-09 15:09:51

    વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 12 માર્ચથી ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે 5 T20 મેચની શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ મેચની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે લોકો ટેસ્ટ મેચ સ્ટેડિયમમાં જોવામાં ઓછો રસ દાખવતા હોય છે, પરંતુ T20 મેચ જોવા માટે લોકો વધારે રસ દર્શાવે છે. લોકોએ આ T20 મેચની સિરીઝને પગલે અગાઉથી જ ઓનલાઇન ટિકિટોનું બુકિંગ શરૂ કરી દીધું છે. જોકે આ વખતે ટિકિટના ભાવ 500 રૂ થી લઈને 10 હજાર સુધીના રાખવામાં આવ્યા છે. આ પ્રમાણેના ભાવવધારાને કારણે લોકો સસ્તી ટિકિટ ખરીદવા માટે ઓનલાઇન બુકિંગ કરાવી રહ્યા છે, પરંતુ લોકોને ઓનલાઇન ટિકિટ બુક કરાવ્યા બાદ પણ ફિઝિકલ ટિકિટ લેવા માટે સ્ટેડિયમે જવું પડશે.

    આ મેચને જોવા માટે પહેલા કેટલાક સમય માટે ઓનલાઈન ટિકિટો જ વેચાઈ રહી હતી, પરંતુ આજે મંગળવારથી ઓફ્લાઈન ટિકિટોનું વેચાણ પણ શરૂ કરી દેવાયું છે. ભારત અને ઈંગ્લેન્ડની રસાકસી ભરી સિરીઝને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છવાયેલો છે, તેથી જ મંગળવારે સવારથી જ અમદાવાદના મોટેરા સ્ટેડિયમની બહાર સવારથી લોકો ઓફલાઈન ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભા રહી ગયા છે.

    લોકો કોરોનાનું ભાન ભૂલીને ટોળાવળીને લાઇનમાં ઊભા રહ્યા હતા, તેથી પોલીસે કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરાવવા માટે ટોળાંને વિખેરવા માટે દંડાવાળી શરૂ કરી હતી. જોકે સ્ટેડિયમની બહાર કોઈપણ પ્રકારનો પોલીસ-બંદોબસ્ત જોવા મળ્યો ન હતો. મેચની ઓફલાઇન ટિકિટમાં પણ લોકોને હાલાકી પડી રહી છે, કારણ કે book my showએ ઓનલાઇન ટિકિટમાં 500 અને 1 હજાર રૂપિયાવાળી ટિકિટના સ્લોટ બ્લોક કરી દીધા છે, જેથી લોકોને લાગ્યું કે હવે 500રૂ.વાળી ટિકિટ સ્ટેડિયમમાં જ મળશે, પરંતુ અહીં આવ્યા પછી લોકોને ખબર પડી કે 500 અને 1 હજાર રૂ.ની ટિકિટો ઓફલાઇન નથી અપાઈ રહી. લોકોએ જણાવ્યું કે તેઓ ઓનલાઇન ટિકિટ બુક કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ત્યાં પણ ટિકિટના સ્લોટ 30 મિનિટે 1 વાર ખૂલે છે, જેથી તેમણે આખો દિવસ એની રાહ જોઈને બેસી રહેવું પડે છે. વળી, લોકોને 1 હજારથી મોંઘી ટિકિટ પરવડે એમ નથી, તો GCAએ આની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ એવી માગ ઊઠી હતી.

    ઓફલાઇન ટિકિટ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું હતું કે 500 રૂ.વાળી ટિકિટ ઓફલાઇન મળી શકે તેમ નથી, પરંતુ આજથી 500 રૂપિયા સિવાયની તમામ ટિકિટ સ્ટેડિયમના ટિકિટ કાઉન્ટર પર ઓફલાઇન મળશે અને ઓનલાઈન બુક કરાયેલી ટિકિટની ફિઝિકલ ટિકિટ પણ અહીં મળશે. મહત્ત્વનું છે કે જેને ફિઝિકલ ટિકિટ લેવા માટે સ્ટેડિયમ ન આવવું હોય તેને અંદાજિત 100થી 200 રૂ. જેટલો વધારાનો ડિલિવરી ચાર્જ ચૂકવવો પડશે.

    એક તરફ રાજ્યમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, જેને લઈને પ્રશાસન દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે અને અનેક વિસ્તારમાં રેસ્ટોરાં અને હોટલો બંધ કરાવવામાં આવી રહી છે. તેવામાં મેચની ટિકિટો લેવા માટે સ્ટેડિયમની બહાર લાંબી કતારો લાગી જવા પામી છે, જ્યાં મોટા ભાગના લોકોએ કોરોનાના નિયમોના લીરેલીરા ઉડાવી દીધા છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું નથી. આમ, ધોળા દિવસે ગાઈડલાઈન્સ ભંગ થતી હોવા છતાં પણ તંત્ર અથવા સ્ટેડિયમના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનાં પગલાં લેવામાં આવ્યાં નથી.

    સવારે 11 વાગ્યાથી સ્ટેડિયમ પરથી ઓફ્લાઈન ટિકિટોનું વેચાણ શરૂ થવાનું હતું, આ વાતની જાણ લોકોને થતાં તેઓ સવારથી જ ટિકિટ લેવા માટે સ્ટેડિયમની બહાર પહોંચ્યા હતા. ત્યારે ટિકિટ લેવા માટે આવેલા કાંતિ પટેલે જણાવ્યું હતું કે તેમણે ક્રિકેટનો ભારે ક્રેઝ છે, જેથી આ મેચ જોવા માટે પણ તેઓ ઘણા ઉત્સાહી છે. આજે ઓફલાઈન ટિકિટનું વેચાણ શરૂ થતાં સવારથી જ તેઓ ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભા રહી ગયા છે. તેમનો દીકરો 75 ટકા દિવ્યાંગ છે, જેને મેચનો શોખ છે, તેથી તેનું દિવ્યાંગ હોવાનું સર્ટિફિકેટ લઈને ટિકિટ ખરીદવા માટે તેઓ સ્ટેડિયમ આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમને મેચની ટિકિટ નહીં મળે, ત્યાં સુધી તેઓ લાઈનમાં ઊભા રહેવા માટે તૈયાર છે. કાંતિભાઈને મેચ જોવાનો એટલો ક્રેઝ છે કે નોકરીમાં રજા રાખીને પણ ટિકિટ ખરીદવા માટે અહીં આવ્યા છે.


Download Our B K News Today App



Related News