સરકાર અને ખેડૂત નેતાઓની બેઠક 2 ફેબ્રુઆરીએ; ગાઝીપુર અને સિંઘુ પર ફરી વધવા લાગી ખેડૂતોની સંખ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 13:03:39
  • Views : 218
  • Modified Date : 2021-01-31 13:03:39

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ પછી ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે ફરી એકવાર વાતચીત શરૂ થવા જઈ રહી છે. સરકારે 13મા રાઉન્ડની બેઠક માટે 2 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. વડાપ્રધાને શનિવારે થયેલી સર્વપક્ષીય મીટિંગમાં કહ્યું હતું કે સરકાર ખેડૂતોની સાથે વાત કરવા માટે હંમેશા તૈયાર છે. ખેડૂતોને 22 જાન્યુઆરીએ જે પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, તે હજુ પણ યથાવત્ છે. કોઈપણ ઉકેલ વાતચીતથી જ આવવો જોઈએ. આ દરમિયાન, ગાઝીપુર અને સિંઘુ બોર્ડર પર ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે. તકેદારીના ભાગરૂપે પોલીસે બંને સ્થળે સુરક્ષા વધારી દીધી છે. આજે ખેડૂતોના આંદોલનનો 67મો દિવસ છે.

    22 જાન્યુઆરીએ સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે 12મા રાઉન્ડની બેઠક થઈ હતી. તેના પછી સરકારે કહ્યું હતું કે નવા કાયદાઓમાં કોઈ ખામી નથી. આપ (ખેડૂત નેતા) જો કોઈ નિર્ણય પર પહોંચો તો જણાવો. આના પર ફરી આપણે ચર્ચા કરીશું. આ પહેલા 20 જાન્યુઆરીએ થયેલી મીટિંગમાં કેન્દ્રએ દોઢ વર્ષ સુધી નવા કૃષિ કાયદાઓને લાગુ નહીં કરવા અને MSP પર વાતચીત માટે કમિટી બનાવવા માટે પ્રસ્તાવ રાખ્યો હતો.

    ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોની વધતી સંખ્યા અને ખેડૂતો દિલ્હી તરફ કૂચ ન કરે એ માટે ગાઝીપુર બોર્ડર પર 12 લેયરનું બેરિકેડિંગ કરી દેવાયું છે. પોલીસને આશંકા છે કે 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ થવાનું છે ત્યારે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી શકે છે. જેને ધ્યાનમાં રાખીને આ બેરિકેડિંગ કરાયું છે. ગાઝીપુર બોર્ડર પર બેરિકેડિંગથી એનએચ-24 બંધ છે. નોઈડાથી અક્ષરધામ જતા રસ્તા ઉપરાંત, દિલ્હીથી ઈન્દિરાપુરમ અને નોઈડા જતા રસ્તા પણ બંધ કરી દેવાયા છે.


    દિલ્હી અને સિંઘુ બોર્ડર હિંસા પછી ખેડૂત નેતાઓએ દેખાવકારોને શાંતિપૂર્ણ દેખાવોની અપીલ કરી છે. ખેડૂત નેતા બલબીરસિંહ રાજેવાલે શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે કોઈ યુદ્ધ માટે જઈ રહ્યા નથી. તેમણે હિંસક દેખાવો અંગે કહ્યું કે સિંઘુ બોર્ડર પર દેખાવો કરી રહેલા ખેડૂતોને ઉશ્કેરવાનું ષડયંત્ર થયું હતું, પરંતુ ખેડૂતોએ કોઈ પ્રકારની હિંસામાં સામેલ ન થવું જોઈએ.

    રાજેવાલનું આ નિવેદન સિંઘુ પર પોલીસ અને દેખાવકારો વચ્ચેની અથડામણ પછી આવ્યું છે, જેમાં એક SHO તલવારના હુમલામાં ઘાયલ થયા હતા. ગત શુક્રવારે કેટલાક લોકો દેખાવકારોને સિંઘુથી હટાવવા પહોંચ્યા હતા. આ વિવાદ દરમિયાન સ્થિતિ સંભાળવા માટે પહોંચેલી પોલીસ પર હુમલો કરી દેવાયો હતો.

    રાજેવાલે કહ્યું, ‘ખેડૂત આંદોલનનું સમર્થન કરનારા લોકોને અમારી અપીલ છે કે શાંતિપૂર્ણ દેખાવો કરે. આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે કોઈ યુદ્ધમાં જઈ રહ્યા નથી. આ આપણો દેશ છે અને આપણી સરકાર છે. સિંઘુ પર જે કંઈપણ બન્યું, તેની પાછળ ભાજપા અને સંઘના લોકોનો હાથ છે. સરકાર આપણને હિંસા માટે ઉશ્કેરવાની કોશિશ કરી રહી છે.’

    26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેકટર પરેડ દરમિયાન દિલ્હીમાં લાલ કિલ્લા સહિત અનેક સ્થળે હિંસા થઈ હતી. તેના પછી 29 જાન્યુઆરીએ સિંઘુ બોર્ડર પર પણ પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે હિંસક ટક્કર થઈ હતી. આ મામલે અત્યાર સુધીમાં 44 લોકોની ધરપકડ કરાઈ છે.

    ટ્રેકટર રેલીની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે રેલીમાં સામેલ ટ્રેક્ટરોના રજિસ્ટ્રેશન નંબર અને મોબાઈલ કોલ ડેટાની તપાસ કરી છે. પોલીસને હિંસા સંબંધિત 1700 વીડિયો ક્લીપ અને CCTV ફૂટેજ પણ મળ્યા છે. અત્યાર સુધીમાં દિલ્હી પોલીસે 38 FIR નોંધી છે અને 84 લોકોની ધરપકડ કરી છે. સિંઘુ, ટીકરી અને ગાઝીપુર બોર્ડર પર ઈન્ટરનેટ સર્વિસ 31 જાન્યુઆરીની રાતે 11 વાગ્યા સુધી બંધ કરી દેવાઈ છે.

    શનિવારે સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખેડૂતોને 22 જાન્યુઆરીએ જે પ્રસ્તાવ રાખ્યો હતો, તે હજુ પણ યથાવત્ છે. કોઈપણ ઉકેલ વાતચીતથી નીકળવો જોઈએ. તેમણે ખેડૂતોને કહ્યું, ‘હું તમારાથી માત્ર એક ફોન કોલ જેટલો દૂર છું. જ્યારે પણ તમે ફોન કરશો, હું વાતચીત માટે તૈયાર છું.’મોદીના આ નિવેદન અંગે ભારતીય કિસાન યુનિયન (BKU)ના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર કૃષિ કાયદા પરત કેમ લેતી નથી. સરકાર અમને જણાવે કે તેની પાછળ શું મજબૂરી છે, અમે દુનિયાની સામે ભારતનું સન્માન ઘટવા નહીં દઈએ. તેમણે કહ્યું કે અમારી લડાઈ વિચારોની છે અને તેને દબાવવા માટે સરકારે તાકાતનો ઉપયોગ ન કરવો જોઈએ.

    26 જાન્યુઆરી પછી ગાઝીપુરમાં સતત UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચી રહ્યા છે. મુઝફ્ફરનગરમાં શુક્રવારે થયેલી મહાપંચાયતમાં ખેડૂતોને આ જ અપીલ કરાઈ હતી. ખેડૂત નેતાઓએ શુક્રવારે એક દિવસનો ઉપવાસ રાખીને સદભાવના દિવસ મનાવ્યો હતો. તેના દ્વારા તેઓ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસાનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા.


Download Our B K News Today App



Related News