'નેતા અને મંત્રીઓ માટે યુ.એન મહેતામાં જગ્યા છે અને અમારા જેવા સામાન્ય નાગરિકો માટે સિવિલમાં પણ જગ્યા નથી', દર્દીના સ્વજનનો વલોપાત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-12 13:02:29
  • Views : 294
  • Modified Date : 2021-04-12 13:02:29

    કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, હોસ્પિટલમાં પણ હવે દર્દીઓને દાખલ કરવા જગ્યા નથી ત્યારે સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલમાં ગત મોડી રાતથી દર્દીઓ એમ્બ્યુલનસમાં દાખલ થવા માટે રાહ જોઈ રહ્યા છે. દર્દીઓના પરિવાર જનો પણ હેરાન થઈ રહ્યા છે અને આક્ષેપ કરી રહ્યા છે કે નેતાઓ માટે યુ.એન.મહેતા હોસ્પિટલમાં જગ્યા છે જ્યારે સામાન્ય નાગરિકો માટે સિવિલમાં પણ જગ્યા નથી.

    કોરોના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. મોટા ભાગની સરકારી હોસ્પિટલો ભરાઈ જવા આવી છે ત્યારે હવે દર્દીઓ પણ દાખલ થવા લાઈનમાં રાહ જોઈ રહ્યા છે. સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને દાખલ પણ કરવામાં આવતા નથી, 108 દ્વારા જે દર્દીઓને તકલીફ હોય તેમને જ હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે હોસ્પિટલની બહાર જ એમ્બ્યુલન્સની લાંબી લાઇન દેખાઈ હતી.

    સિવિલ હોસ્પિટલની બહાર 20 કરતા વધુ એમ્બ્યુલન્સમાં દર્દીઓ 1200 બેડમાં દાખલ થવા માટે રાહ જોઈ રહ્યા હતા. મોડી રાતના 2 વાગ્યાથી આવેલ દર્દીઓને સવારે 9-30 વાગ્યા પછી દાખલ કરવામાં આવ્યા હતા. મોટા ભાગના દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા.પરિવાર જનો પણ દર્દીઓની સાથે હતા, કેટલાક પરિવારોએ લાઈન જોઈને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની તૈયારી પણ બતાવી હતી પરંતુ પૈસા આપવા છતાં પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં બેડ ખાલી મળ્યા નહોતા. જેથી સિવિલ હોસ્પિટલમાં 5 થી 6 કલાક લાઈનમાં ઊભા રહીને દાખલ થવાનું નક્કી કર્યું હતું.

    એક દર્દીના સગા નવનીત પંચાલે જણાવ્યું જતું કે, મારા સાસુનું મોડી રાતે ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. જેથી 108ને કોલ કર્યો પરંતુ 108ને આવતા સમય લાગતાં અને પ્રાઇવેટ વાહનમાં અમે GCS હોસ્પિટલમાં ગયા હતા પરંતુ ત્યાં જગ્યા નહોતી જેથી પ્રાઇવેટ હોસ્પિટલમાં તપાસ કરી પણ ત્યાં પણ બેડ ખાલી ના મળ્યો અને 108મા સવારે 4 વાગે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. સિવિલ આવીને જોયું તો એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગી હતી.એક ડોકટર કહ્યું કે, સેટેલાઇટ પારેખ હોસ્પિટલમાં એક બેડ ખાલી છે પરંતુ ત્યાં પણ બેડ ખાલી નહતો જેથી સિવિલ પરત ફર્યા અને હવે 4 થી 5 કલાક બાદ નંબર આવ્યો. મંત્રીઓ અને VIP માટે યુ.એન.મહેતા હોસ્પિટલમાં બેડ ખાલી મળી રહે છે અને અમારા જેવા સામાન્ય લોકો માટે સિવિલમાં પણ બેડ ખાલી નથી.અમે દર્દીનો જીવ બચાવવા પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા પણ તૈયાર છીએ પણ ક્યાંય બેડ ખાલી નથી.

    ચાંદખેડાથી એમ્બ્યુલન્સમાં પોતાની પત્નીને વર્ષાબેનને લઈને આવેલા પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે, મારી પત્નીને કોરોના પોઝિટિવ તો હતો જ પરંતુ કઈ તકલીફ નહોતી જેથી અમે ઘરે જ રાખ્યા હતા. પરંતુ રાતે ઓક્સિજન લેવલ ઘટતા 108માં બેસાડીને 2 વાગે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. અહીંયા જોયું તો એમ્બ્યુલન્સની લાંબી લાઇન હતી.પત્નીને પણ ઓકસીજન પર રાખવામાં આવ્યા હતા જેથી તેઓ તેમનો નંબર આવવાની રાહ જોઈ રહ્યા હતા અને અંતે 10 વાગે તેમનો નંબર આવી ગયો.


Download Our B K News Today App



Related News