ભાવનગરમાં હોમ આઈસોલેટ કરાયેલા કોરોનાના દર્દીઓ માટે સેવાભાવી સંસ્થાએ શરુ કરી ઓક્સિજન બેંક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-19 12:21:41
  • Views : 231
  • Modified Date : 2021-04-19 12:21:41

    ગુજરાતમાં કોરોનાના દર્દીઓને શ્વાસની તકલીફ થાય એટલે તેમને ઓક્સિજન આપવાની જરૂર પડે છે. પરંતુ બહુ ગંભીર ના હોય ત્યારે હોમ આઈસોલેટ કરાયેલા દર્દીઓને એકાએક સંક્રમણ વધતા, શ્વાસની તકલીફ ઉભી થાય છે. આવા સમયે હોસ્પિટલોમાં જગ્યા ના હોવાથી દર્દીની હાલત બહુ જ કફોડી થાય છે. આ સમસ્યા નિવારવા માટે ભાવનગરની એક સેવાભાવી સંસ્થા સામે આવી છે. આ સેવાભાવી સંસ્થાઓ હોમ આઈસોલેટ કરાયેલા અને જેમને શ્વાસની સમસ્યા હોય તેવા દર્દીઓ માટે ઓક્સિજન બેંક શરૂ કરી છે.

    ગુજરાતમાં સતત વધતા કોરોનાના કેસને લઈને અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે. જેમાં ગુજરાતના અનેક શહેરોમાં ઓક્સિજનની ખુબજ મોટી ઘટ ઉભી થવા પામેલ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એટલી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ આવી રહ્યા છે, કે જેને લઈને હોસ્પિટલોમાં પણ ઓક્સિજનનો પુરવઠો માંડ પૂરો પડી રહ્યો છે, ત્યારે હોમ આઇસોલેટ હોય અને જેને ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓ ખૂબ મોટી મુશ્કેલી ઓક્સિજનને લઈને ભોગવી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં જૈન સમાજની ખુબ જ મોટી સંસ્થા જીતો દ્વારા ભાવનગર દાદાસાહેબ જૈન દેરાસર ખાતે ઓક્સિજન બેન્ક શરૂ કરી જરૂરિયાતમંદ દર્દીઓને બિલકુલ ફ્રીમા ઓક્સિજન પૂરો પાડી માનવતાનું ખુબ જ મોટું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

    ભાવનગરમાં હાલની કોરોના મહામારી ની પરિસ્થિતિ માં એક વિકટ સમસ્યા ઓક્સિજનની અછતની છે ત્યારે ભાવનગર ની જાણીતી સંસ્થા જીતો ભાવનગર દ્વારા એક ઉમદા કાર્ય ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવેલ છે. ઓક્સિજન બેંકમાં કોઈ પણ નાતજાતના ભેદભાવ વગર ભાવનગરના જરૂરિયાતમંદ દર્દીઓને આશીર્વાદરૂપ ઓક્સિજન સિલિન્ડર તદ્દન મફત આપવામાં આવી રહ્યા છે.

    ભાવનગર વાસીઓ માટે શરૂ કરવામાં આવેલા આ ઉત્તમ કાર્ય માટે અનુદાન ની ટહેલ નાખવામાં આવતા, માનવતા ના સાદ ને સ્વીકારી ખૂબ જ ટૂંકા ગાળામાં 500 કરતા વધારે ઑક્સિજન સિલિંડર નું દાન જીતો મેમ્બરો અને અન્ય પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા થઇ ચૂક્યું છે. અને હજુ પણ પુછપરછ શરુ છે દર્દીની સારવાર માટે ઓક્સિજન સિલિન્ડર દર્દીને આધાર કાર્ડની ઝેરોક્ષ અને ડૉક્ટરની ચિટ્ઠી પર દાદા સાહેબ જિનાલય કાળાનાળા ખાતેથી ફ્રીમાં સિલિન્ડર બાટલા અપાઈ રહ્યા છે.લોકોને ઓક્સિજન ફ્રી મા મળે તે માટે અનેક લોકો 4500 રૂપિયા આપી એક સિલિન્ડરનું દાન આપી રહ્યા છે. અને આ ઓક્સિજન સિલિન્ડરને લઈને અનેક કોરોનાના દર્દીઓને જાણે પ્રાણવાયુ મળી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

 

Download Our B K News Today App



Related News