રચના કન્સ્ટ્રક્શનની લાપરવાહી ડીસા ફ્લાયઓવર બ્રિજ ઉપરથી પતરું પડતા દંપતીને માથામાં ગંભીર ઇજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-13 11:18:07
  • Views : 3694
  • Modified Date : 2020-10-13 11:18:07

ડીસામાં ફલાયઓવરની કામગીરી કરી રહેલી રચના કન્સ્ટ્રક્શન નામની કંપનીની ગંભીર લાપરવાહી એકવાર ફરી સામે આવી છે. સોમવારે આ બ્રિજની ચાલી રહેલી કામગીરી દરમ્યાન અહીથી પસાર થતાં એક દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી છે. વારંવાર બની રહેલી અકસ્માતોની ઘટના બાદ પણ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કોઈ જ સલામતી રાખવામાં ના આવતી હોવાથી લોકો પરેશાન થઈ ઉઠ્‌યા છે અને કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે.
ડીસા હાઇવે વિસ્તારમાં જો તમારે જવું હોય તો સાવધાન થઈ જજો. કારણ કે તમારે તમારો જીવ જોખમમાં મૂકીને જવું પડશે. ડીસામાં અત્યારે રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ૧૯૮ કરોડના ખર્ચે ફલાયઓવરનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમ્યાન કોઈપણ જાતની સુરક્ષાને ધ્યાને રાખવામાં આવી રહી ના હોવાથી વારંવાર અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. અગાઉ ડીસામાં ચાલી રહેલી આ કંપનીના એક મજુરનું પિલ્લર પરથી પટકાતાં મોત નીપજયું હતું. ત્યારબાદ તાજેતરમાં જ આ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ચાલી રહેલી આ કામગીરી દરમ્યાન આખે આખી ક્રેન તૂટી પડી હતી. ડીસાના ગાયત્રી મંદિર નજીક બનેલી આ ઘટના દરમ્યાન સદભાગ્યે કોઈ જ જાનહાનિ થઈ નહોતી. પરંતુ આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી. વારંવાર સર્જાતી આવી દુર્ઘટના બાદ પણ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કોઈ જ સાવચેતી રાખવામાં આવી રહી નથી. જેના લીધે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ત્યારે સોમવારે ડીસા શહેરમાં આવેલા ગોવર્ધન પાર્કમાં રહેતા ભાવેશ ગોસ્વામી તેમની પત્ની અને બે બાળકો સાથે દવાખાને તેમની દીકરીની સારવાર માટે જતા હતા. ત્યારે શહેરના જલારામ મંદિર નજીક રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા રસ્તો બ્લોક કર્યા વગર કામગીરી ચાલુ હતી. દરમ્યાન પુલ પરથી મોટું પતરું
પડતાં ભાવેશ ગોસ્વામી અને તેની પત્નીના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે તેમના નાના બે બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળાં એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક આ બંને પતિ-પત્નીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે ઘટનાસ્થળએ રચના કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવેલી રહેલી કામગીરીમાં સુરક્ષાના સાધનોનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો. આ ઉપરાંત એક તરફ ભારે ક્રેનની મદદથી ભારે ભરખમ સમાન ક્રેનથી ચઢાવવામાં આવી રહ્યો હતો અને બરાબર તેની નીચે જ વાહનોની અવરજવર જોવા મળી હતી. રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ માર્ગ પણ બંધ કર્યા વગર ખતરનાક ઢબે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. લોકોના જીવ પર જોખમ સર્જીને કામ કરી રહેલી રચના કન્સ્ટ્રક્શન કંપનીની આ લાપરવાહી ગંભીર લાપરવાહી છે. કંપનીની આ લાપરવાહી બાબતે જ્યારે કંપનીના જવાબદાર અધિકારીઓએ
પૂછતાં તેમને પણ કઈ જ કહેવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્રએ પણ આ બાબતે હવે ગંભીર બનવાની જરૂર છે. નહિતર આગામી સમયમાં આ રચના કન્સ્ટ્રક્શન સામે મોટું જન આંદોલન છેડાય તો નવાઈ નહીં...!

Download Our B K News Today App



Related News