પાટણના માતરવાડીમાં આવેલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને માર મારી કાઢી મૂકવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-17 16:48:19
  • Views : 447
  • Modified Date : 2019-07-17 16:48:19

પાટણ શહેરના  માતરવાડી વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૭ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને    શાળાના આચાર્ય અને વર્ગ શિક્ષિકા દ્વારા છેલ્લાં સાત દિવસથી શાળામાંથી કાઢી મૂકવામાં આવતા સોમવારે વિદ્યાર્થીના માતા-પિતા દ્વારા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આ મામલે આવેદનપત્ર આપી શિક્ષકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ  હતી.શહેર નજીક આવેલ માતરવાડી વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ધોરણ ૭ મા દેવીપૂજક જયપાલ ધનજીભાઈ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે.આ વિદ્યાર્થીને તેના વર્ગ શિક્ષકા ગીતા બહેન દ્વારા વારંવાર  જાતિ વિષયક અપશબ્દ બોલવામાં આવે છે અને રોજ સોટી વડે માર મારવામાં આવે છે. એક વાર બાળકે સોટી વાગવાની બીકે સોટી પકડી લેતા તેને સ્કૂલમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. જેથી બાળકના પિતા ધનજીભાઈ દેવીપૂજકે શાળાને લેખિત અને મૌખિક માફી માંગવા  માટે પણ સહમતી બતાવી હતી. પરંતુ શાળાના આચાર્ય  માનતા ન હતા  અને શાળામાંથી બાળકનો દાખલો  લઈ જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.સ્થાનિક નગર સેવક આશાબેન શૈલેષ જી. ઠાકોર દ્વારા પણ શાળાના આચાર્યને મળીને બાળકની બાંયધરી લેવામાં આવી હતી. તે છતાંય તેને સ્કૂલમાં છેલ્લાં સાત દિવસથી બેસવા દેવામાં આવી રહ્યા નથી અને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે છે. તેમજ તેના માતા-પિતા ઉપર બાળકનો દાખલો લઈ જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોય સોમવારે બાળક તેના માતા પિતા સાથે તેમજ માતરવાડી વિસ્તારના કોર્પોરેટર આશાબેનના પતિ શૈલેષજી ઠાકોર, કોર્પોરેટર દિનેશભાઈ પટણી વિગેરે નાયબ ડીપીઓ દિલીપભાઈ નાઈને આ બાબતે લેખિતમાં આવેદનપત્ર આપી બાળકને હેરાન કરનાર શાળાના આચાર્ય અને વર્ગ શિક્ષિકા સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ શાળામાં જુનો સ્ટાફ બદલીને નવો સ્ટાફ મુકવા તેમજ બાળકને શાળામાં બેસવા દેવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને સાંભળી નાયબ ડીપીઓએ આ મામલે શાળામાંથી તપાસ કરવામાં આવશે તેવી  હૈયાધારણા આપી હતી.

  



Download Our B K News Today App



Related News