જિલ્લાના સ્થાનિક હુનરને ઉજાગર કરી પ્રવાસનને વેગ આપવા રૂ.૦૩ કરોડના ખર્ચે પાટણ હાટ તૈયાર કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 12:14:00
  • Views : 362
  • Modified Date : 2020-03-01 12:14:00

વિશ્વ વિરાસત રાણીની વાવ પાટણના પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી છે ત્યારે જગવિખ્યાત પાટણના પટોળા, મશરૂ અને માટીના રમકડાની બનાવટ જેવી હસ્તકળાઓના હુનરને ઉજાગર કરી પ્રવાસનને વેગ આપવા ‘પાટણ હાટ’ નિર્માણ પામશે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં રૂ.૦૩ કરોડના ખર્ચે પાટણ હાટ તૈયાર કરવા નિર્ણય લેવામાં આવ્યો.
જિલ્લાના વિકાસ માટે સતત કાર્યરત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, વર્લ્ડ હેરીટેજ રાણીની વાવ આજે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષી રહી છે ત્યારે પાટણની વિશિષ્ટ ઓળખ એવા પાટણના પટોળાની સાથે સાથે મશરૂ અને માટીના રમકડા બનાવવાના હુનરને ઉજાગર કરવા પાટણ હાટ તૈયાર કરવાનું આયોજન છે. જિલ્લાના લોકોના આ હુનરને પ્રવાસીઓ સમક્ષ પ્રદર્શિત કરવાનો તથા વેચાણ માટેની વ્યવસ્થા ઉભી કરી પ્રવાસનને વેગ આપવા વિશેષ વ્યવસ્થા ઉભી કરાશે.
સાથે સાથે પુરાણ પ્રસિદ્ધ સિદ્ધપુર ખાતે આવેલા પાંચ સ્વયંભુ શિવલીંગ ધરાવતા મહાદેવ મંદિરો અને સંલગ્ન સુવિધાઓના વિકાસ માટે રૂ.૦૪ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. માતૃશ્રાદ્ધ માટેના પવિત્ર બિંદુ સરોવરની સાથે સાથે આ સ્વયંભુ મહાદેવ મંદિરોમાં આવતા પ્રવાસીઓની સુવિધા માટે મંદિરની આસપાસ બગીચા, પાર્કગ અને શૌચાલય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત સરસ્વતિ તાલુકાના ભુતિયાવાસણ ખાતે આવેલા ભુતેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે રૂ.૨.૭૦ કરોડની ગ્રાન્ટ જિલ્લા પ્રવાસન સમિતિ હસ્તકની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે. વધુમાં સિદ્ધપુર તાલુકાના દશાવાડા ખાતે આવેલા રાજ્ય સરકાર હસ્તકના નિલકંઠ મહાદેવ અને હનુમાનજી મંદિરના વિકાસ અંગે ગ્રાન્ટ ફાળવવા ચર્ચા કરવામાં આવી. ૨૦૦ વર્ષથી પણ વધુ જુના અને ઐતિહાસિક આ મંદિરોને યાત્રાધામ વિકાસ બોર્ડની ગ્રાન્ટમાંથી વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.
પાટણના ધારાસભ્ય ડા.કિરીટભાઈ પટેલ તથા સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉપસ્થિતીમાં યોજાયેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ મંદિરો અને અન્ય સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અંગે સમિક્ષા કરવામાં આવી. આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી   ગીતાબેન દેસાઈ, પ્રાંત અધિકારી સર્વ ડી.બી.ટાંક, અમિતભાઈ પરમાર,  સુપ્રિયા ગાંગુલી તથા સ્વપ્નિલ ખરે, પંચાયત તથા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News