કોઇ આરોપીને વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર છે કે નહી તે નક્કી કરવાની સત્તા પાસપોર્ટ ઓથોરીટીને નથી : હાઈકોર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-14 18:22:01
  • Views : 45
  • Modified Date : 2025-05-14 18:22:01

ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, કોઇ આરોપીને વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર છે કે નહી તે નક્કી કરવાની સત્તા કે અધિકાર પાસપોર્ટ ઓથોરીટીને નથી, કારણ કે, આવી સત્તા માત્ર ને માત્ર ટ્રાયલ કોર્ટ પાસે જ છે. ટ્રાયલ કોર્ટ જો કોઇ આરોપી વિદેશ પ્રવાસ કે મુસાફરી માટે અરજી કરે ત્યારે ટ્રાયલ કોર્ટ તેની વિવેકબુધ્ધિ મુજબ, યોગ્ય શરતો લાદી શકે છે. 

જસ્ટિસ અનિરૃધ્ધા પી.માયીએ આ મહત્ત્વપૂર્ણ અવલોકન સાથે પાસપોર્ટ અધિનિયમ-1967 અને નિયમો મુજબ, અરજદાર આરોપીનો પાસપોર્ટ દસ વર્ષ માટે રિન્યુ કરવા પાસપોર્ટ ઓથોરીટીને હુકમ કર્યો હતો.

હાઇકોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે, જો અરજદાર વિદેશ મુસાફરી કરવા માંગતો હોય તો તેણે ટ્રાયલ કોર્ટ સમક્ષ યોગ્ય રીતે અરજી કરવાની રહેશે અને ટ્રાયલ કોર્ટ કેસને ધ્યાનમાં લઇ તેની રીતે યોગ્ય અને વાજબી શરતો લાદી શકે છે. અરજદાર પાસપોર્ટ રિન્યુઅલ માટે અરજી કરે તો તે ચાર સપ્તાહમાં નિર્ણિત કરવા પણ હાઇકોર્ટે પાસપોર્ટ ઓથોરીટીને હુકમ કર્યો હતો.

હાઇકોર્ટે જુગાર અધિનિયમ હેઠળ એક આરોપીની પાસપોર્ટ રિન્યુઅલની માંગ કરતી અરજીની સુનાવણીમાં આ હુકમ કર્યો હતો. અરજદારપક્ષ તરફથી અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, અરજદારના પાસપોર્ટની મુદત છ વર્ષથી પેન્ડીંગ ટ્રાયલ દરમ્યાન પૂર્ણ થઇ ગઇ હતી.

જો કે, પાસપોર્ટ ઓથોરીટી તેના પાસપોર્ટને દસ વર્ષ માટે રિન્યુ કરવાનો ઇન્કાર કરી છે, જે અરજદારના બંધારણીય અને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન સમાન છે.

અરજદાર કાર સ્ટુડીયોના બિઝનેસ સાથે સંકળાયેલો છે અને તેમને અવારનવાર વિદેશ જવાની ફરજ પડે છે. તેથી પાસપોર્ટ અધિનિયમ અને જીએસઆર નોટિફિકેશનની સંબંધિત જોગવાઇઓ અને બોમ્બે હાઇકોર્ટની ખંડપીઠના ચુકાદા મુજબ, પાસપોર્ટ ઓથોરીટીએ અરજદારનો પાસપોર્ટ દસ વર્ષની સમયમર્યાદા માટે રિન્યુ કરી આપવો જોઇએ.

હાઇકોર્ટે અરજદારની અરજી ગ્રાહ્ય રાખતાં જણાવ્યું કે, ટ્રાયલ કોર્ટે અરજદારનો પાસપોર્ટ રિન્યુ કરી આપવા અંગે પાસપોર્ટ ઓથોરીટીને હુકમ કર્યો છે પરંતુ કેટલા સમયગાળા માટે તે સમયમર્યાદાનો ઉલ્લેખ હુકમમાં કર્યો નથી.

પરંતુ બોમ્બે હાઇકોર્ટ દ્વારા જારી નિર્દેશો, પાસપોર્ટ અધિનિયમ અને જોગવાઇ અનુસાર, દસ વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ કરવા માટે પાસપોર્ટ ઓથોરીટીને બંધનકર્તા છે. આ સંજોગોમાં અરજદારનો પાસપોર્ટ પણ દસ વર્ષ માટે રિન્યુ કરી આપવા પાસપોર્ટ ઓથોરીટીને હુકમ કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News