બનાસકાંઠાના છેવાડાના ગામોમાં પાણીના પોકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-13 11:28:25
  • Views : 710
  • Modified Date : 2020-05-13 11:28:25

ગુજરાત વિકાસશીલ રાજ્ય છે, આ રાજ્યમાં પાણી માટે મોટા મોટા ડેમ આવેલા છે. સુજલામ સુફલામ યોજના કે નર્મદાનું પાણી લોકો સુધી પહોંચી રહ્યુ છે. પરંતુ આ ગુજરાતમાં અમુક જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં પીવાનુ પાણી મળતુ નથી. વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો વિકાસની દ્રષ્ટિએ ઘણો પાછળ છે. આ વિસ્તાર મહત્તમ આદિવાસી સમાજની બહુમતી ધરાવતો પ્રદેશ છે. આ તાલુકામાં સૌથી વધુ અશિક્ષિત અને પહાડી વિસ્તારમાં રહેતા લોકો વસવાટ કરે છે, જેમનો મુખ્ય આધાર ખેતી અને મજુરી કામ છે. હાલમાં ઉનાળાના પ્રારંભે જ આ વિસ્તારમાં પાણી પાણીના પોકાર જોવા મળી રહ્યા છે. ત્યારે દાંતાથી ૩૦ કિલોમીટર દૂર આવેલું રાણપુર આંબા ગામની પાડલી ફળીમાં રહેતા લોકોને પાણી માટે છેક ૨ કિલોમીટર સુધી જવુ પડે છે. આ લોકોના ઘર પાસે હેડ પંપની વ્યવસ્થા ન  હોઈ  દૂર દૂર સુધી રોજેરોજ પાણી લેવા જવું પડે છે. અંબાજીથી લગભગ ૧૦ કિલોમીટર દૂર રાણપુર ગામ આવેલું છે, આ ગામ રોડ પર આવેલું છે. આ ગામની વસ્તી અંદાજે ૩૦૦૦ લોકોની છે  પણ આ ગામની
પાડલી ફળી રોડથી ઘણી અંદર આવેલી છે. અહીં રહેતા લોકોના ઘર પાસે પાણીની વ્યવસ્થા ન હોવાથી આ લોકોને છેક હાઇવે સુધી પાણી ભરવા આવવું પડે છે. આ ગામમાં રહેતા લોકો પણ કોરોના વાયરસને લીધે મોઢે માસ્કની જગ્યાએ કપડુ બાંધી કોરોનાના બચાવ માટે જાગૃત બન્યા છે. આ લોકો પાણી ભરવા આવે ત્યારે પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે. આ ગામના લોકો તાપમાં પહાડો પરથી ચાલતા ચાલતા માથે પાણીનો ઘડો લઇ ૨ કિલોમીટર સુધી પાણી ભરવા આવે છે. જેથી સરકાર તરફથી આ વિસ્તારમાં પાણી માટે વ્યવસ્થા કરાય તો
પાણીની સમસ્યા દૂર થઇ જાય તેમ છે. આ ગામના લોકો સવારે, બપોરે અને સાંજે મોટેભાગે પાણી લેવા જાય છે, ત્યારે મહિલાઓ અને નાના બાળકો પાણી ભરવા જતા નજરે પડે છે.


Download Our B K News Today App



Related News