વાવના અસારા ગામમાં ૧૦ દિવસથી પીવાના પાણીના ધાંધિયાથી ગ્રામજનો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-10 11:29:26
  • Views : 455
  • Modified Date : 2019-06-10 11:29:26

કચ્છના મોટા રણને અડીને આવેલા સરહદી વાવ, સુઇગામ તાલુકાઓના ગામડાઓમાં જીવન માટે અતિ મૂલ્યવાન ગણાતા પીવાના
પાણીની બુમરાડ ઉઠવા પામી છે. જાગૃત મીડિયા દ્વારા આ અંગે તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ આગોતરું આયોજન ન કરવાને કારણે દર વખતે ઉનાળાની શરૂઆતથી જ
પાણીની પારાયણ શરૂ થઈ જાય છે. જેમાં છેલ્લાં ૧૦ દિવસથી વાવ તાલુકાના અસારાગામમાં પીવાના પાણીની તંગી સર્જાઈ છે,ગ્રામજનો દ્વારા રજુઆત કરાતાં એકાંતરા દિવસે પાણીનું ટેન્કર પૂરું પડાય છે અને ટેન્કર આવતાં જ ગ્રામજનો પાણી માટે પડાપડી કરતા જોવા મળે છે.
ઉનાળાની શરૂઆત થતાં જ કાળઝાળ ગરમીના પ્રકોપમાં રણની કાંધીને અડીને આવેલ સરહદી વાવ, સુઇગામ તાલુકાના લોકો તોબા તોબા
 પોકારી ઉઠયા છે, ત્યાં પીવાના પાણીની પણ ઠેરઠેર બુમરાડો ઉઠવા છતાં જવાબદાર પાણી
પુરવઠા તંત્ર દ્વારા ઘોર
બેદરકારી દાખવવામાં આવતા સરહદી વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આઝાદીના સાત દાયકા વીત્યા છતાં સરકાર દ્વારા લોકોને
પીવાના પૂરતા પાણીની વ્યવસ્થાની કોઈ નક્કર કામગીરી ન કરાતાં આજે પણ લોકોને ટેન્કરો પર અને કુવા, વિરડીઓ પર નિર્ભર રહેવું પડે છે, વિકાસની વાતો કરતી ગુજરાત સરકારમાં ભાજપ ચાર ટર્મથી સત્તામાં હોવા છતાં સરહદી વાવ, સુઇગામ તાલુકાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરાવવામાં પણ નિષ્ફળ રહી છે. ઉનાળાની શરૂઆત થતાં જ સરહદી વાવ, સુઇગામ તાલુકાના ગામડાઓમાં પાણી પાણીની બુમરાડ શરૂ થઈ જાય છે. પાણી પુરવઠા વિભાગને લાખો, કરોડોની ગ્રાન્ટ અપાતી હોવા છતાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ
પાણી પુરવઠા અધિકારીઓના પાપે લોકોને ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે. વાવ તાલુકાના સરહદી અસારાગામમાં છેલ્લાં ૧૦ દિવસથી પીવાના પાણીને લઈ ગંભીર સમસ્યા સર્જાઈ છે. નળ વાટે બિલકુલ પાણી આવતું નથી,રજૂઆતોના
પગલે પુરવઠા દ્વારા પાણીનું ટેન્કર શરૂ કરાતાં ટેન્કર આવવાની વાત જોતા ગ્રામજનો ધોમધખતા તાપમાં
પણ આરામ કરતા નથી.
પાણીનું ટેન્કર આવે કે બળિયાના બે ભાગ, જે લઈ જાય તે લઈ જાય, અને જે રહી જાય તે રહી જાય, પાણી ભરવા મુદ્દે ગામમાં નાની મોટી તકરાર પણ થઈ જાય છે, ઘર કામ, ખેતરનું કામ, તેમજ ગામમાં સારા ભલા પ્રસંગમાં પણ ગ્રામજનો હાજરી આપી શકતા નથી. કેમકે પાણીનું ટેન્કર ક્યારે આવે તે નક્કી હોતું નથી. પીવાના પાણીની સર્જાયેલી
 પારાયણને લઈ સરકાર દ્વારા સરહદી વાવ, સુઇગામ તાલુકામાં યોગ્ય આયોજન કરવામાં આવે તો સમસ્યાનો હલ થાય. કેમકે આ વિસ્તારમાં રણ નજીક હોઈ તળાવો, કુઈઓ, વિરડાઓનું પાણી ખારું થઈ જાય છે. પરિણામે લોકોને અને પશુઓને પીવાના પાણીની હાડમારીને લઈ સરહદી વિસ્તારના લોકોને રીતસરનો રઝળપાટ કરવો પડે છે.


Download Our B K News Today App



Related News