પાટણ જિલ્લાના રણકાંઠેના ગામોમાં પાણીનું ટેન્કર આવતા જ ગ્રામજનોની પાણી માટે પડાપડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-02 10:55:18
  • Views : 443
  • Modified Date : 2019-05-02 10:55:18

પાટણના સમી સાંતલપુર અને રાધનપુર જેવા છેવાડાના વિસ્તારના ગામોમાં આઝાદીના સાત દાયકા બાદ પણ પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહે છે. ત્યારે ક્યાંક પાણીના ટેન્કરો પર પાણીની લૂંટ તો ક્યાંક જીવના જોખમે કૂવામાંથી પાણી ભરતા જળ એજ જીવનના વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો પાણી ન મળતા માલધારીઓને હિજરત કરવાની ફરજ પડી છે. ત્યારે પ્રજાનો પાણી માટે ઉઠતો પાણીનો પોકાર સરકાર અને તંત્ર ના બહેરા કાને પડતો નથી  ત્યારે અધૂરામાં પુરું ભર ઉનાળે સાયફનના રીપેરીંગ કામ માટે મુખ્ય કેનાલોમાં પાણી બંધ કરતા જગતના તાત સહિત પ્રજા માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.પાટણ જિલ્લાના રણ કાંઠે વસેલા સમી અને સાંતલપુર છેવાડાના ગામોમાં બારેમાસ પૂરતું પીવા શુદ્ધ પાણી ના મળતા પાણીની પારાયણ રહે છે. પરંતુ ઉનાળામાં તો પાણીનીવિકરાળ સમસ્યા સર્જાઇ છે. જેમાં સમી પંથકની વાત કરીએ તો કોડધા, અનવરપુરા સહિત આસપાસના ગામોમાં પાણી માટે પ્રજા રઝળપાટ કરવા મજબુર બને છે.તો સાંતલપુરના મઢુત્રા, બાબરા, આંતરનેશ, એવાલ, જાખોત્રા, છાણીયાસર જેવા આંતરિયાળ ગામોની પ્રજાને પીવાના પાણી માટે કોઇ સ્ત્રોત જ ના હોય ગામમાં પાણીના ટેન્કરો મારફતે પાણી મળતા તરસ છીપાવી રહ્યા છે. ગામોમાં પાણી માટે પ્રજા વલખા મારી રહી છે. ત્યારે તેનાથી વધુ દયનિય હાલત પશુધનની થવા પામી છે. ગામમાં પશુઓને પાણી પીવા માટેના તળાવો અને હવાડાઓ ખાલી ખમ પડયા છે જેથી સમીના કોકતા ગામના માલધારીઓ તેમજ સાંતલપુરના ગામોમાં વસવાટ કરતા માલધારીઓ પોતાના પશુધન સાથે ગામમાંથી હિજરત કરવા મજબુર બન્યા છે. આ ગામોમાં પૈસા નહીં પણ પાણીના ટીંપાની અમૂલ્ય કિંમત હોય તે સમાન દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વર્ષોથી આ ગ્રામજનો દ્વારા સરકાર અને પોતાના ચૂંટેલા પ્રતિનિધિઓ સમક્ષ ફક્ત પાણીની માંગ કરી રજુઆત કરવા માટે આંટાફેરા કરી તળિયા ઘસી ગયા છતાં પણ આ પંથકોની પાણીની સમસ્યા આજદિન સુધી હલ ના થતા લોકોમાં સરકાર અને તંત્ર સામે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે.


Download Our B K News Today App



Related News