ભારે વરસાદ, પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિતિના સામના માટે કલેકટરની તંત્રને સુચના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-23 11:02:50
  • Views : 1260
  • Modified Date : 2020-05-23 11:03:57


પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને ભારે વરસાદ-પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિરતિના આગોતરા આયોજન અંગે પ્રિ-મોન્સુન પ્લાનની અધિકારીઓ સાથે બેઠક કમ તાલુકાના અધિકારીઓ સાથે વિડીયોકોન્ફરન્સ યોજાઇ હતી. બેઠકમાં ભારે વરસાદ, પૂર અને વાવઝોડા જેવી પરિસ્થિતિના સામના માટે નક્કર આયોજન કરવા કલેકટરે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને સુચના આપી ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સુચનાઓ આપી હતી.

આ બેઠકમાં કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું કે અત્યારે વહીવટીતંત્રના સૌ અધિકારીઓ-કર્મચારીઓ કોરોનાની વૈશ્વિક મહામારીનો મક્કમ મુકાબલો કરી રહ્યા છે. બીજીબાજુ બનાસકાંઠા જિલ્લામાં તીડ પણ આવવાની શક્યતા છે અને હવે આગામી ચોમાસામાં ભારે વરસાદ, પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિતિના સામના માટે કરવાની થતી કામગીરી માટે સજ્જ રહીએ. તેમણે ચોમાસાને અનુલક્ષી જયાં વધારે પાણી ભરાતુ હોય ત્યાં પાણીના નિકાલ અંગે, નીચાણવાળા વિસ્તાસરોમાં રહેતા લોકોને જરૂર પડયે સલામત સ્થળે  ખસેડવા અને જરૂરી સહાય આપવા અંગે ગ્રામ્યા કક્ષા સુધી જરૂરી આયોજન કરવા તથા તેની અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપી તેની જિલ્લા કક્ષાએ જાણ કરવા, ચોમાસાની સીઝનમાં સજાગ રહેવા તથા જિલ્લામાં કોઇપણ ઘટના બને ત્યારે તરત જ આપણા તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી કલેકટર સહિત વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવા અધિકારીઓને સુચના આપી હતી. તેમણે રેઇન ગેજની ચકાસણી કરવા, જિલ્લામાં આવેલ દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમની મરામત અને દરવાજા ગ્રીસીંગ વગેરે કામગીરી સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. 

કલેકટરે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ફિલ્ડ લેવલના કર્મચારીઓ અને તરવૈયાઓને સઘન તાલીમ આપી સજ્જ રાખવા જણાવ્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓને તાલુકા અને નગરપાલિકાઓનો ડિઝાસ્ટરર પ્લાન બનાવી તાકીદે મોકલી આપવા જણાવ્યું હતું. ઉપરાંત પૂર-રાહતના સાધનો ચકાસી લેવા, આશ્રય સ્થાનોના કોન્ટેકટ નંબર મેળવી લેવા જણાવ્યું હતું. રાહત અને બચાવ માટે બોટ સાથે તરવૈયા રાખવા અંગે આગોતરૂ આયોજન કરવા પોલીસ વિભાગને જણાવ્યું હતું. શહેરી વિસ્તારમાં મામલતદારો અને ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીઓએ નાનામાં નાની બાબતો આવરી લઇ પ્લાન બનાવવા કલેકટરે જણાવ્યું હતું.

પૂર આવવાનું હોય ત્યારે સમયસર ચેતવણી આપવી, વીજ પુરવઠો જાળવવા, રસ્તાઓના ડેમેજ સમયે તાત્કાલીક મરામત માટે ટુકડીઓ તૈયાર રાખવી, આરોગ્ય કેન્દ્ર તથા હોસ્પિટલોમાં પુરતી દવાઓનો જથ્થો રાખવા તેમણે જણાવ્યું હતું. વરસાદના સમયે જોખમ હોય તેવા પાણીના વહેણમાં બસ ન ઉતારવા અંગે ડ્રાઈવરોને તાલીમ આપવી, ભારે વરસાદની ખેડૂતો અને પશુપાલકોને અગાઉથી જાણ કરી તેમના જાન-માલ અને પશુપાલનને બચાવવા શું કરી શકાય તેની સુચનાઓ આપવી, પાણી વિતરણની વ્યવસ્થા જાળવવી, શાળાના બાળકોની સંભાળ માટે શિક્ષકોને તાલીમ આપી સજ્જ કરવા સહિત તમામ વિભાગો એકબીજાના સંકલનમાં રહી ચોક્કસાઇપૂર્વક કામગીરી કરે તે માટેનું આયોજન અત્યારથી જ કરવા જણાવ્યું હતું. કલેકટરે અધિકારીઓને જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં વર્ષ-૨૦૧૫ અને ૨૦૧૭ માં આવેલ પૂરના સમયે વહીવટીતંત્રએ ખુબ સારૂ કામ કર્યુ હતુ. તે અનુભવમાંથી પણ શીખ મેળવી નક્કર આયોજન અને કામગીરી કરવા જણાવ્યું હતું. ભારે વરસાદના સમયમાં કોમ્યુનિકેશન માટે સંપર્ક જળવાઇ રહે તે માટે વાયરલેસ સેટ સહિતની સુવિધા તૈયાર રાખવા અને મોકડ્રીલ યોજવા અંગે પણ સુચના આપવામાં આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા સહિત તાલુકા મથકોએથી પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા.  


Download Our B K News Today App



Related News