રાજકોટની કુંદન હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે ચાર દર્દીએ દમ તોડ્યાનો પરિવારનો આક્ષેપ, ડોક્ટરે કહ્યું- સ્થિતિ ગંભીર હતી, કલેક્ટરના તપાસના આદેશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-23 13:29:57
  • Views : 251
  • Modified Date : 2021-04-23 13:29:57

    રાજકોટમાં ઓક્સિજન પૂરા થવાને આરે છે. ગઇકાલે પરમ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી જવાના આરે હતો ત્યારે રહી રહીને તંત્ર જાગ્યું હતું અને 15 બાટલા મોકલતાં ઓક્સિજન પર રહેલા 30 દર્દીના જીવ બચી ગયા હતા. ત્યારે ગત રાત્રે કુંદન કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 4 દર્દીએ દમ તોડી દીધાનો પરિવારે આક્ષેપ કર્યો છે, પરંતુ હોસ્પિટલના ડોક્ટરે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે દર્દીની પરિસ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુ થયું છે. પરિવારજનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી રહ્યા છે. રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને કુંદન હોસ્પિટલ સામે તપાસના આદેશ આપ્યા છે.

    મૃતક દર્દીનાં સગાંએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કુંદન હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કર્યા પછી તેની તબિયત અંગે કોઇ સમાચાર આપવામાં આવતા નથી. વહેલી સવારે 4 વાગ્યાથી ડોક્ટરો દર્દીનાં સગાંને ઓક્સિજન માટે દોડાવી રહ્યા છે. સગાંને દર્દી વિશે કોઇ જાણકારી નહીં આપતાં પરિવારજનો મુશ્કેલીમાં મુકાયાં છે તેમજ હોસ્પિટલમાં દર્દીઓનાં સગાં દર્દીની સારવાર અંગે પૂછવામાં આવતાં સિક્યોરિટી સ્ટાફ હોસ્પિટલમાં પ્રવેશ આપતો નથી તેમજ બેફામ શબ્દપ્રયોગ કરે છે.

    રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને કુંદન હોસ્પિટલ સામે તપાસના આદેશ આપ્યા છે. તપાસની ટીમમાં પ્રાંત અધિકારી, એનેસ્થેસિયા ડોક્ટર અને IAMના સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છએ. તપાસ પૂર્ણ કરી રિપોર્ટ કલેક્ટરને સોપવામાં આવશે, બાદમાં કાર્યવાહી કરવામાં આવશે.

    દર્દીના સગાએ આક્ષેપ કરતાં વધુમાં જણાવ્યું હતું કે ઓક્સિજનનો બાટલો બંધ હોવાથી અમારા દર્દી મૃત્યુ પામ્યા છે. બાટલો દીધો છતાં ચડાવ્યો નહીં. સગાંએ બાટલા જોવાની જીદ પકડી હતી, પરંતુ ડોક્ટર જોવા દેવા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. જોકે પોલીસ દોડી આવતાં મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસને દર્દીના સગા જણાવે છે કે ડિસ્ચાર્જ આપી દે તો અમે અમારી રીતે વ્યવસ્થા કરીએ. અમારા દર્દી મરી ન જવા જોઇએ. ડોક્ટર તો નીચે આવતા નથી. ડોક્ટર બહાર નીકળે તો તેના દાંત કાઢી નાખવા છે. અમે ઓક્સિજનના બાટલાની સુવિધા આપી છતાં સારવાર યોગ્ય રીતે કરવામાં આવતી નથી. ડોક્ટર મોટા મિનિસ્ટર હોય તેમ વાત કરે છે, એવું દર્દીના સગા વીડિયોમાં જણાવી રહ્યા છે. અમુક દર્દીઓને રીફર કરવાની પણ સૂચના આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    કુંદન હોસ્પિટલના ડોક્ટર મનોજ સીડાએ મીડિયાને જણાવ્યું હતું કે જો 4 દર્દીનાં મૃત્યુ થયાં છે. દર્દીના સગા આક્ષેપ કરે છે કે ઓક્સિજનને કારણે મૃત્યુ થયાં છે, એ વાત તદ્દન ખોટી છે. દર્દીની હાલત ગંભીર હોવાથી મૃત્યુ પામ્યા છે. ઓક્સિજન સપ્લાઇની વાત ખોટી છે. રિપોર્ટ જેવા આવે છે એવા દર્દીના સગાને જાણ કરવામાં આવે છે, પરંતુ રિપોર્ટ આવતાં પાંચ કલાક થાય છે એટલે દર્દીના સગા અકળાય છે, ઓક્સિજનની ઘટ છે એવું નથી.

    ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ઓક્સિજનની ટેન્ક ખાલી થાય એટલે રિફિલિંગમાં જાય છે. બંને દર્દી ગંભીર હતા. અમારાથી વ્યવસ્થા ન થાય તો સગાંને કહેવામાં આવે છે. ઓક્સિજન આવતો હોય પછી આપવામાં આવતો નથી એ વાત પણ ખોટી છે. રિફિલિંગમાં ટાઇમ લાગે તો એમાં અમે શું કરી શકીએ. હાલ 30 દર્દી દાખલ છે, તેમાંથી 6 ક્રિટિકલ છે. 12 દર્દી ઓક્સિજન પર છે. અમે લેખિતમાં પણ ઓક્સિજનની રજૂઆત કરી છે.


Download Our B K News Today App



Related News