કોરોના કાળમાં કામગીરી કરનારા આરોગ્ય કર્મીઓનું મુખ્યમંત્રી રૂપાણીએ અભિવાદન કર્યું, કહ્યું, આપના થકી જ આ લડાઈ આપણે જીતીશું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-16 12:49:17
  • Views : 251
  • Modified Date : 2021-04-16 12:49:17

    રાજ્યમાં કોરોનાના કેસો વધતાં મહામારી ગંભીર પરિસ્થિતિ તરફ પ્રયાણ કરી ચૂકી છે. રાજ્યમાં રોજ હજારો કેસ નોંધાય છે અને મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના સામેની લડાઈમાં રાત દિવસ એક કરનારા આરોગ્ય કર્મીઓને મુખ્યમંત્રી રૂપાણીએ અભિનંદન પાઠવ્યાં છે. રૂપાણીએ ફેસબુકના માધ્યમથી ઓનલાઈન સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી આપણો દેશ, આપણું ગુજરાત કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. આ મહામારી સામે લડાઈ સરકાર લડી રહી છે. રાજ્ય અને દેશનો એક એક સામાન્ય માણસ પણ આ લડાઈ લડી રહ્યો છે. પરંતુ મહામારી સામેની આ માનવતાની લડાઈમાં જો કોઈનું સૌથી મોટુ યોગદાન રહ્યું હોય તો એ ડોક્ટર્સ, નર્સ, મેડિકલ પેરા મેડિકલમાં કામ કરનારા ભાઈઓ બહેનોનું રહ્યું છે.

    આજે ગુજરાતની સાડા છ કરોડની જનતા વતી હું તમામ ડોક્ટર્સ, નર્સ, મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. આપના થકી ગુજરાત આ લડાઈ લડી શક્યું છે. આપના થકી જ આપણે લાખો લોકોના જીવ બચાવી શક્યા છીએ. વર્ષ પહેલાં જ્યારે આ મહામારીની શરુઆત થઈ ત્યારથી આપ પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરીને જાનની બાજી લગાવીને આ કોરોના સામે લડી રહ્યાં છો. આપે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના લોકોની સેવા કરી છે. જેમાં કેટલાય ડોક્ટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફે તેમના જીવ પણ ગુમાવ્યા છે.

    ગુજરાતની જનતા આપની સાથે છે. આપણે કોરોનાની લડાઈની જીત મેળવવામાં નજીકમાં છીએ. ઝડપથી વેક્સિનેશન પર કામ થઈ રહ્યું છે. આપણે મહામારીમાંથી વેક્સિન થકી બહાર નીકળીશું. આપણે સાથે મળીને કોરોના સામે લડીશું. ત્રણ લાખથી વધુ દર્દીઓની સેવા કરીને તેમને સાજા કરીને ઘરે મોકલ્યા છે. હું આરોગ્ચ કર્મીઓનો આભાર માનું છું. કોરોના હારશે, ગુજરાત જીતશે.

    ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 8 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 8,152 નવા કેસ નોંધાયા છે અને 3023 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

    રાજ્યમાં અમદાવાદ શહેરમાં 27, સુરત શહેરમાં 25, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 6, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ જિલ્લા અને ગાંધીનગર શહેરમાં 2-2, અમદાવાદ, આણંદ, ભરૂચ, ગાંધીનગર જૂનાગઢ, સુરત અને વડોદરા જિલ્લામાં 1-1 મળી કુલ 81 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. રાજ્યમાં એક અઠવાડિયા એટલે કે 7 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. અગાઉ 11 જૂને 38 દર્દીના મોત થયા હતા. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 5076એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 86.86 ટકા થયો છે.

    આજે રાજ્યમાં 1 લાખ 49 હજાર 507ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 86 લાખ 29 હજાર 22 લોકોને પ્રથમ ડોઝ અને 12 લાખ 53 હજાર 33 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 98 લાખ 82 હજાર 55નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 93 હજાર 457 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 47 હજાર 186ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.


Download Our B K News Today App



Related News