શહેરના વિવિધ પ્રશ્નોની રજૂઆત ન સાંભળતા વિપક્ષનો વોકઆઉટ, વિપક્ષ બાદ સત્તા પક્ષના સભ્યો પણ બહાર નીકળી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 14:56:18
  • Views : 323
  • Modified Date : 2020-09-25 14:56:18

     રાજ્યમાં કોરોના મહામારીને કારણે AMCની સામાન્યસભા પણ ઓનલાઈન જ મળતી હતી. જો કે 6 મહિના બાદ પહેલીવાર ફિઝિકલ સામાન્ય સભા પાલડીના ટાગોર ખાતે મળી છે. જેને લઈને છેલ્લા બે દિવસથી તમામ કાઉન્સિલરના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપનાં પાંચ કાઉન્સિલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે સામાન્યસભા શરૂ થતા જ વિપક્ષે રસ્તા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી. પરંતુ તેમની વાત ન સાંભળતા વિપક્ષે વોક આઉટ કર્યો હતો. થોડીવાર હોબાળો થયા બાદ વિપક્ષ બહાર આવીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યો હતો. વિપક્ષની સાથે સાથે છેવટે સત્તાપક્ષ ભાજપના સભ્યો પણ સામાન્યસભામાંથી બહાર નીકળી ગયા હતા.

મીડિયાથી મોં છુપાવતા મેયરે પાછલા બારણેથી એન્ટ્રી કરીઃ નેતા વિપક્ષ
આ સામાન્ય સભા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધપક્ષના નેતા દિનેશ શર્માએ મીડિયા પર મુકવામાં આવેલા પ્રતિબંધ બદલ સત્તાધીશોની આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, ભાજપની નિષ્ફળતાઓને વિપક્ષ ઉજાગર કરશે. કોરોના, બિસ્માર રસ્તા, ગટર અને પાણી મુદ્દે વિપક્ષ સભામાં રજૂઆત કરશે. ભાજપ સરકાર કામગીરીમાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. મીડિયા પર મુકેલો પ્રતિબંધ લોકશાહી માટે હાનિકારક છે. મીડિયાથી મો છુપાવતા મેયરે પાછળના બારણેથી હોલમાં એન્ટ્રી લીધી હતી.

બિસ્માર રસ્તાઓના વિરોધમાં કોર્પોરેટર પાટા પિંડી બાંધીને સામાન્યસભામાં આવ્યા
તો બીજી બાજુ સામન્ય સભામાં આવેલા કોંગ્રેસના કોર્પોરેટરે શહેરના બિસ્માર રસ્તાઓના વિરોધ માટે અલગ જ પ્રકારનો રસ્તો અપનાવ્યો હતો.કોર્પોરેટર શાહનવાઝ શેખ પાટા પિંડી બાંધીને સામાન્યસભામાં હાજરી આપવા માટે આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ રસ્તાઓમાં મસમોટા ખાડા પડી ગયા છે અને અકસ્માતનો ભય ઝળુંબી રહ્યો છે. જેને પગલે શાહનવાઝ શેખે સામાન્યસભામાં બિસ્માર રસ્તા વિશે રજૂઆત કરી કે સામાન્ય વરસાદમાં જ શહેરના મોટા ભાગના રોડ રસ્તાઓ તૂટી ગયા છે. જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

પ્રજાના પ્રશ્નોની ચર્ચાથી મીડિયાને દૂર રાખ્યું
કોરોનાની મહામારીમાં અનલોક બાદ રાજ્યનાં અન્ય મહાનગરોની દર મહિને પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે ફિઝિકલ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સામાન્ય સભા મળતી હતી, પરંતુ રાજ્યના સૌથી મોટા, સ્માર્ટ સિટી અને વધુ વસતિ ધરાવતા અમદાવાદ શહેરના કોર્પોરેશનના સત્તાધીશોને ચૂંટણી નજીક આવતાં ફિઝિકલ સામાન્ય સભા કરવાની યાદ આવી છે. હજી કોરોના ડરથી કે પ્રજાના ડરથી સત્તાધીશો દાણાપીઠ કોર્પોરેશનની મુખ્ય ઓફિસે બેસતા નથી? પ્રજાથી દૂર રહેતા સત્તાધીશોને આગામી ચૂંટણી યાદ આવી જતાં હવે ઓનલાઇનની જગ્યાએ ફિઝિકલ સભા યોજશે. આ સભામાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News