જંગલ સફારીમાં ઓનલાઇન ટિકિટ અને માસ્ક ફરજિયાત, એક કલાકમાં માત્ર 50ને જ પ્રવેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-30 11:05:31
  • Views : 302
  • Modified Date : 2020-09-30 11:05:31

    સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થિત સરદાર પટેલ ઝુઓલોજિકલ જંગલ સફારી પાર્ક 1 ઓક્ટોબરથી પુન: ટ્રાયલ બેઝ પર શરૂ કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જંગલ સફારીની મુલાકાત માટે ઓનલાઇન ટિકિટ જ બુકિંગ કરાવવી પડશે અને માસ્ક પણ ફરજિયાત પહેરવું પડશે. પ્રવાસીઓનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ અપાશે. ઇ-કારમાં સોશિયલ ડિસ્ટન્સથી બેસાડવામાં આવશે તેમજ દર કલાકે માત્ર 50 પ્રવાસીને જ પ્રવેશ મળશે. આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગલ સફારીનું વિધિવત લોકાર્પણ કરે તેવી શક્યતા છે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 375 એકરમાં જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યો છે. સેંન્ટ્રલ ઝુ ઓથોરીટી, ન્યુ દિલ્હીની મંજુરી બાદ ગત 18 ફેબ્રુઆરીએ વિશ્વકક્ષાનો સફારી પાર્ક પ્રવાસીઓ માટે પ્રાયોગિક ધોરણે ખુલ્લો મુકાયો હતો.પરંતુ કોરોના કાળમાં સાવચેતી માટે તેને માર્ચ મહિનાથી જ બંધ કરવામાં આવ્યો હતો.લોકડાઉનથી બંધ થયેલું જંગલ સફારી 6 મહિના બાદ ગુરુવારથી કોવીડ -19ના નીતિ નિયમો સાથે ટ્રાયલ બેઝ માટે શરૂ કરવામાં આવશે. ડાયરેક્ટર આર.આર.નાલા સહિતની ટીમે તમામ તૈયારીઓ આટોપી લીધી છે. પ્રાથમિક તબક્કે ઓનલાઇન ટિકિટ મળશે. ત્યારબાર ટિકિટબારીમાંથી પણ ટિકિટ મળી રહેશે તેની પણ હાલ તૈયારીઓ ચાલી રહી છે.

જંગલ સફારી પાર્કના ડાયરેક્ટર રામરતન નાલાએ જણાવ્યું હતું કે એક ઓકટોબરથી શરૂ થનાર સફારી પાર્કમાં હાલ કેટલી ટિકિટો ઓનલાઇન બુક થઇ છે એ જાણી શકાયું નથી પણ અમારી પૂરેપૂરી તૈયારી છે. સમય સવારના 8 થી સાંજના 5 સુધીનો રહેશે. આ 8 કલાકમાં 400 પ્રવાસીઓ રોજના આવી શકે છે. જો ફૂલ રહે તો તેની સંપૂર્ણ જાળવણી માટેની અમારી તૈયારીઓ છે. નાના બાળકો અને 65 વર્ષથી ઉપરના વડીલ ને બહાર નહિ નીકળવા તેમણે અનુરોધ કર્યો છે.

જંગલ સફારીના 7 ઝોનમાં પ્રાણી-પક્ષીઓ કેવી રીતે જોઇ શકાશે ?
હાલમાં તૈયાર એવા 7 ઝોનમાં પ્રવાસીઓ ફરી શકશે. પહેલા સિંહ, વાઘ દીપડો,જંગલી બિલાડીઓ સહિતના પ્રાણીઓ નિહાળશે. ત્યાંથી ગેંડો અને જંગલી ભેંસ જોઈ ત્રીજા ઝોનમાં એશિયાટિક પક્ષીઓ એવિયારીમાં જવાશે .ચોથા ઝોનમાં હરણ ચોસિંગા જોઈને વિદેશી પ્રાણીઓ ઝીબ્રા, શાહમૃગ, જિરાફ, ઇમ્પાલા સહિતના પ્રાણીઓ અને અંતિમ ઝોનમાં વિદેશી પક્ષી જોઈને પ્રવાસીઓ ફરી એન્ટ્રી પોઇન્ટ પાસેથી એક્ઝીટ કરશે. એક કલાકમાં 1500 પ્રાણી-પશુઓ જોઇ શકશે.

Download Our B K News Today App



Related News