સુરતમાં ડુંગળીનો કિલોનો ભાવ 70થી 80 રૂપિયા, ગૃહિણીઓના બજેટ પર અસર, અતિભારે વરસાદથી ખેડૂતોને નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 11:16:04
  • Views : 300
  • Modified Date : 2020-10-01 11:16:04

    ડુંગળીના ભાવને લઈ દેશભરમાં કોરોના વચ્ચે હાહાકાર મચ્યો છે. ડુંગળીએ ફરી એકવાર ગૃહિણીના આંસુ કાઢી નાખ્યા હોય એમ કહી શકાય છે. ડુંગળી હાલ 70થી 80 રૂપિયા કિલો વેચાઈ રહી છે. ડુંગળીના વધતા ભાવને લઈ સુરતની મંડીમાં પણ એની અસર દેખાઈ રહી છે. મહારાષ્ટ્રમાં આ વખતે ભારે વરસાદને કારણે સુરતની મંડીમાં શાકભાજી અને ડુંગળીના ભાવમાં વધારો થયો છે. સુરત એપીએમસી માર્કેટના વેપારી બાબુભાઇનું માનવું છે કે, ડુંગળીની નિકાસ અટકાવી દેવાતા ડુંગળીના ભાવ પર નિયંત્રણ રાખવામાં સરકાર સફળ થઈ છે. પણ ખેડૂતોને નિકાસ બંધ થતાં પાક પર ભારે નુકશાન થયું હોવાનું કહીં શકાય છે. સમય સર ખેતરમાંથી ડુંગળી ન કાઢી શકતા કેટલા ખેડૂતોનો પાક બગડયો છે. આવા અનેક કારણોને કારણે માર્કેટમાં ડુંગળીની ઉપજ ઓછી થતા ભાવ વધ્યા હોવાનું કહી શકાય છે. આગામી દિવસોમાં 20 કિલો ડુંગળીના ભાવ 1000-1200 રૂપિયા પણ થઈ શકે છે.

વરસાદના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો
બાબુભાઇ શેખ (ડુંગળીના હોલ સેલ વેપારી, સરદાર માર્કેટ) એ જણાવ્યું હતું કે, દર વર્ષે ચોમાસામાં શાકભાજીના ભાવો વધતા હોય છે. પણ આ વર્ષે કંઈક વરસાદ વધારે પ્રમાણમાં પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જેમાં પણ ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડતા શાકભાજીના ખેડૂતોને ભારે નુકશાન થયું છે. માર્કેટમાં પણ માલ ઓછો ઠલવાય રહ્યો છે. એ કારણથી શાકભાજીના ભાવો વધ્યા હોય એમ કહી શકાય છે.

ડુંગળીના ભાવ કંટ્રોલમાં આવતા દોઢ મહિનાની રાહ જોવી પડશે
બાબુભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, ડુંગળીની વાત કરીએ તો એમાં દર બે વર્ષે ભાવ વધતા હોય છે. તો બીજી બાજુ ડુંગળીના ભાવ વધવાનું એક કારણ વરસાદ પણ કહી શકાય છે. ખેડૂતોને ડુંગળી કાઢવાનો સમય જ નથી મળ્યો, પરંતુ સરકારે તાત્કાલિક ડુંગળીની નિકાસ અટકાવી દેતા ડુંગળીના ભાવ કંટ્રોલમાં છે. એની સાથે નિકાસ બંધ થતાં ખેડૂતોને ડુંગળીની ખેતીવાડીમાં પણ નુકશાન થયું હોય એ વાત નકારી શકાય નહીં. હવે નવો માલ ખેડૂતોના હાથમાં આવે અને તાત્કાલિક બજારોમાં ઠલવાય તો ડુંગળીના ભાવ કંટ્રોલમાં આવી જશે પણ એના માટે પણ લગભગ મહિના-દોઢ મહિનાની રાહ જોવી જ પડશે. તો બીજી બાજુ શિયાળામાં લગભગ તમામ શાકભાજી બજારોમાં આવતા થઈ જશે એટલે તમામ શાકભાજીના ભાવ નિયંત્રણમાં આવી જશે એવી આશા વ્યક્ત કરી શકાય છે.

એક મહિનામાં 20 કિલામાં 200થી 300 રૂપિયાનો ઉછાળો આવ્યો
બાબુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મોટાભાગે ડુંગળીની ખેતી મહારાષ્ટ્રના સતાણા, માલેગાંવ, વણી, પીપલગામ, નિફાડ, લાસલ, નિઝામપુર, શાકરી સહિતના ગામોમાં થાય છે અને દેશભર માં અહીંયાંથી જ ડુંગળી સપ્લાય થાય છે. ભાવની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં ભાવમાં સતત ઉછાળો જોવા મળ્યો છે. 20 કિલો ડુંગળી 400-500 રૂપિયે માર્કેટમાં વેચાતી હતી જે આજે 700-800 રૂપિયે વેચાઈ રહી છે એટલે રિટેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ લગભગ 70-80 રૂપિયે કિલો હોય શકે છે. એટલું જ નહીં પણ આગામી દિવસોમાં 20 કોલો ડુંગળીના ભાવ 1000-1200 રૂપિયા પણ થઈ શકે છે. સાથે સાથે જો દિવાળી સુધીમાં નવી ડુંગળી બજારમાં આવી જાય તો ડિસેમ્બર-જાન્યુઆરીમાં ડુંગળીના ભાવમાં ઘટાડો પણ જોવા મળી શકે છે.


Download Our B K News Today App



Related News