રોડ ઉપર ઉભેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-19 16:06:59
  • Views : 43
  • Modified Date : 2025-04-19 16:06:59

ગાંધીનગર :  ગાંધીનગર ચિલોડા હાઈવે ઉપર બાઈક લઈને પસાર થઈ રહેલા ત્રણ યુવાનોનું બાઈક રોડ સાઈડમાં ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતા એક યુવાનનું સ્થળ ઉપર મોત થયું હતું જ્યારે અન્ય બેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ઘણી વખત ટ્રક ચાલકોની બેદરકારીને કારણે નિર્દોષ વ્યક્તિઓના જીવ જઈ રહ્યા છે. આવી જ એક ઘટના ગાંધીનગર ચિલોડા હાઇવે ઉપર બનવા પામી છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે હાલ ગાંધીનગરના સેક્ટર ૨૮ ખાતે પીજીમાં રહેતા અને મૂળ રાજુલાના હડમતીયા ગામના યુવાન કમલેશ જીવણભાઈ પિંજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કેતેની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો યુવાન સત્યમ સાવજભાઈ રામ અને મેહુલ મુડુભાઇ વાઘ આજે સવારના સમયે બાઇક લઈને ડાકોર દર્શન કરવા જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન બાઇક મેહુલ ચલાવી રહ્યો હતો અને કમલેશ તેમજ સત્યમ પાછળ બેઠા હતા. ગાંધીનગર ચિલોડા હાઇવે ઉપર બાઈક પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન બીએસએફ કેમ્પ પાસે રોડ સાઈડમાં ઊભેલી ટ્રક પાછળ તેમનું બાઈક ઘૂસી ગયું હતું અને તેના કારણે આ ત્રણેય યુવાનો નીચે પટકાયા હતા. જેમાં મેહુલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવતા યુવાનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં મેહુલનું સ્થળ ઉપર જ મોત થયું હોવાનું બહાર આવ્યું હતું જ્યારે અન્ય બે ઘાયલને સારવાર માટે સિવિલથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં અંગે પોલીસ દ્વારા ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરવામાં આવી છે. 

Download Our B K News Today App



Related News