ફરી એકવાર ભાજપ અને કૉંગ્રેસનો આલાપ' સ્વચ્છ છબી ધરાવતાં યુવાનો, નવા ચહેરા અને મહિલાઓને ટિકિટ આપીશું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 12:20:10
  • Views : 243
  • Modified Date : 2021-01-25 12:20:10

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત થતાં પહેલાં ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષોએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભાજપે મહાનગરો અને પાલિકામાં જ્યાં એન્ટી-ઇન્કમ્બન્સી(સત્તાવિરોધી જુવાળ)ની અસર હશે તેવી બેઠકો પર ઉમેદવારો બદલવાનું નક્કી કર્યું છે જ્યારે કોંગ્રેસે આ વખતે સ્થાનિક ચૂંટણીમાં યુવાનો અને મહિલાઓને પ્રાધાન્ય આપવાની રણનીતિ બનાવી છે.

ભાજપના સૂત્રો કહે છે કે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં 40 થી 60 ટકા જેટલા વર્તમાન કોર્પોરેટર બદલવામાં આવશે અને તેમના સ્થાને નવા ચહેરાને સ્થાન અપાશે. ભાજપના સિનિયર નેતાનું કહેવું છે કે ગુજરાતમાં 2001 પછી આવેલી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં એન્ટી-ઇન્કમ્બન્સી નિવારવા માટે નરેન્દ્ર મોદીએ નવા ચહેરાઓને તક આપવાનું શરૂ કર્યું હતું અને તેના પરિણામ સારા મળ્યા છે તેથી આ વખતની સ્થાનિક ચૂંટણીમાં પણ નવા ચહેરાને તક આપવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકામાં 192 બેઠકો પૈકી 80 બેઠકોમાં અનામતના મુદ્દે ફેરફાર થયો છે તેથી ઉમેદવારો બદલાશે. સૌથી વધુ નવા ચહેરા અમદાવાદની ચૂંટણીમાં આવી રહ્યાં છે. એ ઉપરાંત બીજા મહાનગરમાં પણ સિટીંગ સભ્યોને સ્થાને નવા ચહેરા પાર્ટી મેદાનમાં ઉતારી શકે છે.

કોંગ્રેસના સિનિયર નેતાએ કહ્યું હતું કે અમે ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. સિટિંગ સભ્યો જે ચૂંટણી જીતી શકે તેવા છે તેમને બદલવામાં નહીં આવે પરંતુ નવા ચહેરાને સ્થાન અપાશે. અમે શહેરી વિસ્તારની મહાનગરપાલિકા તેમજ પાલિકાની ચૂંટણીમાં યુવાનો અને મહિલાઓને વધારે માત્રામાં ટીકીટ આપવાના છીએ કે જેથી તેઓ ચૂંટણી જીતી શકે. પાર્ટી જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોમાં કોઇ મોટો ફેરફાર કરવા માગતી નથી. જે લોકો ચૂંટણી હારી ગયા છે તેમને બદલીને નવા ચહેરાને તક અપાશે.

ગુજરાતમાં છ મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો તેમજ 231 તાલુકા પંચાયતોની ચૂંટણી થવાની છે. આ ચૂંટણી માટે 8 હજાર જેટલા EVM મૂકવામાં આવશે. ચૂંટણીની તારીખ જાહેર થઈ એ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેક મહત્વની જાહેરાતો કરી હતી.. આ ચૂંટણીમાં નાના મોટા મળીને કુલ 20 પક્ષો ભાગ લે તેવી સંભાવના છે.


Download Our B K News Today App



Related News