જલ જીવન મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે ગુજરાતના એકમાત્ર પાલનપુર તાલુકાના પીંપળી ગામના ગ્રામજનો સાથે વડાપ્રધાનશ્રી સીધો સંવાદ કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-02 11:34:06
  • Views : 308
  • Modified Date : 2021-10-02 11:34:06

     જલ જીવન મિશન અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ તા. ર ઓકટોબરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશભરની અલગ અલગ ગ્રામ પંચાયતોની સાથે ગુજરાતના એકમાત્ર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીંપળી ગામના ગ્રામજનો સાથે સવારે-૧૧.૦૦ કલાકે સીધો સંવાદ કરશે તેમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે આજે પીંપળી ગામની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે પ્રતિવર્ષ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવે છે અને તેમાં ગામના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે. તે જ રીતે આ વર્ષે પણ જિલ્લાભરમાં તા. ૨ જી ઓક્ટોબરે ખાસ ગ્રામસભાઓ અને સફાઇ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, પાલનપુર તાલુકાના પીંપળી ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સદસ્યો અને ગ્રામજનો દ્વારા પાણી, ગટર, શૌચાલય સહિત ગ્રામ્ય સુખાકારીને લગતી તમામ કામગીરી સુંદર રીતે કરવામાં આવતા તેની નોંધ લઇ આ ગામના ગ્રામજનો સાથે વડાપ્રધાનશ્રી જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે. જિલ્લાના અન્ય ગામો પણ આ ગામમાંથી પ્રેરણા મેળવી સારી કામગીરી કરવા પ્રયત્નશીલ બને તેમ તેમણે જણાવ્યું હતું.     

પાલનપુર તાલુકાના પીંપળી ગામની કુલ વસતી ૨૪૪૪ છે અને ૭૧૫ ઘરો છે. આ ગામમાં તમામ ઘરો ૧૦૦ ટકા નળ કનેક્શનથી જોડાયેલા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ગ્રામજનો સાથેના સીધા સંવાદને લઇ પીંપળી ગામમાં દિવાળી જેવા માહોલ સર્જાયો છે તેમ ગામના અગ્રણી અને પાણી સમિતિના સભ્યશ્રી રમેશભાઇ પટેલે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, આપણા દેશના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામજનો સાથે સીધા સંવાદમાં અમારા પીંપળી જેવા નાના ગામની પસંદગી કરી એ અમારા માટે ગૌરવની બાબત છે. તેમણે કહ્યું કે, અમારા ગામમાં તમામ લોકોને ઘેર ઘેર નળ કનેક્શનથી જોડવામાં આવ્યા છે. આ ઉપરાંત ગટર વ્યવસ્થા અને ૧૦૦ ટકા શૌચાલય સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પાણીની ગુણવત્તાની ચકાસણી પાણી સમિતિના સભ્યો, આશા વર્કર બહેનોને વાસ્મો કચેરીના વોટરક્વોલીટી સ્ટાફ દ્વારા તાલીમ આપી ફિલ્ડ ટેસ્ટ કીટ આપવામાં આવી છે. જેથી પાણી સમિતિના સભ્યો પાણીના સેમ્પલ લઇ પાણીની ગુણવત્તાની જાતે ચકાસણી કરી શકે છે. તેમણ કહ્યું કે, વાસ્મોની આ યોજના નહોતી ત્યારે ગામમાં પીવાના પાણી માટે ખુબ મુશ્કેલીઓ પડતી હતી. આજે ગામને ૧૦ ભાગમાં વિભાજીન કરી દરેક ભાગમાં ૫૫ થી ૬૫ ઘરો આવરી લઇ તમામ ઘરોમાં એક સમાન પાણી વિતરણની વ્યવસ્થા ઉભી કરી સમયપત્રક મુજબ પાણી આપવામાં આવે છે.  

કલેકટરશ્રીની પીંપળી ગામની મુલાકાત પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, પ્રાંત અધિકારીશ્રી એસ. ડી. ગિલવા, તાલુકા વિકાસ અધિકારીશ્રી પરમાર, વાસ્મોના અધિકારીશ્રી કૈલાશબેન મેવાડા અને શ્રી આશીષભાઇ પટેલ સહિત અધિકારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Download Our B K News Today App



Related News