BJPની જીત પર ભાજપ પ્રેમી રોડ પર આળોટીને મંદિર સુધી પહોંચ્યા, 2024ની ચૂંટણીમાં મોદીને ફરીથી PM બનાવવા રાખશે માનતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 16:49:48
  • Views : 340
  • Modified Date : 2021-03-07 16:49:48

    ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતીઓના ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે. જ્યારે પણ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસ એ હોય છે ત્યારે તેમનું અભિવાદન કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચી જતા હોય છે. આવા જ એક ભાજપ પ્રેમી વ્યક્તિ છે અસારવાના રાજુભાઇ પારેખ, જેમનો ભાજપ પ્રત્યેનો પ્રેમ અનોખો છે.

    હાલમાં જ યોજાયેલી મહાનગર પાલિકાની ચૂંટણીમાં અસારવામાં ભાજપની પેનલ જીતે તે માટે રાજુભાઈએ સુતા સુતા મંદિરે જઈને દર્શન કરવાની બાધા રાખી હતી. ચૂંટણી બાદ અસારવામાં ભાજપની પેનલનો વિજય થતા રાજુભાઈએ સિવિલ કેમ્પસમાં આવેલા ખોડિયાર માતાના મંદિર સુધી સુતા સુતા જવાની માનતા પૂરી કરી હતી.અસારવા ગામમાં રહેતા 48 વર્ષના રાજુભાઈ પારેખ નોકરીયાત વ્યક્તિ છે. રાજુભાઈ ભાજપ પ્રેમી છે અને ચૂંટણી સમયે ઉમેદવારોને સમર્થન તો આપે છે સાથે તેમની જીત માટે નિસ્વાર્થભાવે બાધા રાખે છે. તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમના વિસ્તારમાં ભાજપ જીતે તે માટે તેમણે સૂતા સૂતા ખોડીયાર માતાના મંદિરે જવાની માનતા રાખી હતી. ભાજપના જીત્યા બાદ તેમણે અસારવાથી સિવિલ કેમ્પસમાં આવેલા ખોડીયાર મંદિર જઈને માનતા પૂરી કરી છે.

    અંદાજે 2 કિમી જેટલા અંતર તેમને સુતા સુતા પાર કર્યું હતું અને માતાજીને પગે લાગીને માનતા પૂર્ણ કરી હતી. રાજુભાઇએ અગાઉ 4 બાધા આ રીતે જ રાખી હતી. જેમાં 2014માં તેમણે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે માટે પણ માનતા રાખી હતી. આ ઉપરાંત રાજુભાઈ ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રજનીકાંત પટેલ માટે પણ માનતા રાખી ચૂક્યા છે અને તેને પૂર્ણ પણ કરી હતી. એવામાં તેમણે હવે 5મી માનતા પણ પૂર્ણ કરી છે. માનતા પૂરી કરતા દરમિયાન રાજુભાઈની સાથે અસારવા વોર્ડના જીતેલા ચાર ભાજપના કોર્પોરેટર પણ ઉપસ્થિત રહ્યા હતા.

    ભાજપ પ્રેમી રાજુભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "હું આ વિસ્તારમાં ઘણા વર્ષોથી રહુ છું. મેં અહીંયા ભાજપના શાસકોની કામગીરી જોઈ છે એટલે હું ભાજપને જ મત આપું છું. મારા માટે તો ભાજપમાંથી કોઈ પણ ચૂંટણી લડે હું પક્ષને જ પ્રાધાન્ય આપીને બાધા રાખું છું. અહીંયાના કોર્પોરેટરોએ બજેટને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને કામો કર્યા છે, એટલે મને પક્ષ પ્રત્યે આટલો પ્રેમ છે." આટલું જ નહીં રાજુભાઈએ 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તે માટે પણ આ જ પ્રકારની માનતા રાખશે તેમ જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News